02 July, 2026 06:43 AM IST | America | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગ્લોબલ વૉર્મિંગ અને આબોહવા પરિવર્તનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. યુરોપમાં સતત બે જીવલેણ હીટ વેવ આવ્યા બાદ હવે અમેરિકા ભીષણ અને જોખમી ગરમીની લપેટમાં આવ્યું છે. ખાસ કરીને પૂર્વીય અમેરિકામાં તાપમાન અને ભેજનું પ્રમાણ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોના મતે આ ભયાનક ગરમી પાછળ તીવ્ર ‘હીટ ડોમ’ જવાબદાર છે, જે ગરમ હવાને એક જ જગ્યાએ લૉક કરી રાખે છે.
હાલમાં અમેરિકાની લગભગ અડધી વસ્તી એટલે કે આશરે ૧૫ કરોડ લોકો હીટ અલર્ટ હેઠળ જીવી રહ્યા છે. વૉશિંગ્ટન ડીસીમાં તાપમાન ૧૦૧ ડિગ્રી ફૅરનહાઇટ વટાવી ગયું છે જે ૧૯૧૯ પછીની સૌથી વધુ ગરમી છે. ન્યુ યૉર્ક, ફિલાડેલ્ફિયા અને બૉસ્ટન જેવાં મોટાં શહેરો પણ અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યાં છે.
ભયાનક ગરમીના આ પ્રકોપને કારણે અમેરિકાનાં મોટાં શહેરોમાં પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યાં છે. નાગરિકોને ગરમીથી બચાવવા માટે ઠેર-ઠેર કૂલિંગ સેન્ટર્સ, જાહેર સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરીઓ અને સ્પ્રે પાર્ક ખોલી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ઘરવિહોણા લોકો, વૃદ્ધો અને ખુલ્લામાં મજૂરી કરતા શ્રમિકોની સુરક્ષા માટે વિશેષ ટીમો દોડાવવામાં આવી રહી છે. ન્યુ યૉર્ક જેવાં વ્યસ્ત શહેરોમાં રસ્તાઓ પર મોબાઇલ મેડિકલ વૅન તહેનાત કરાઈ છે.