22 December, 2025 09:15 AM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
એપ્સ્ટાઇન ફાઇલોમાં મળી આવેલ ફોટોગ્રાફ
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના જાહેર વેબપેજ પરથી સગીર છોકરીઓના જાતીય શોષણખોર જેફરી એપ્સ્ટાઇન સંબંધિત દસ્તાવેજોમાંથી ઓછામાં ઓછી ૧૬ ફાઇલો ગાયબ થઈ ગઈ છે. ગુમ થયેલી ફાઇલોમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની મેલૅનિયા ટ્રમ્પ, એપ્સ્ટાઇન અને એપ્સ્ટાઇનની સહયોગી ગિસ્લેન મૅક્સવેલના ફોટોગ્રાફ સામેલ છે. વિભાગે આ માટે કોઈ સ્પષ્ટતા આપી નથી. આ ફાઇલો પોસ્ટ કર્યાના એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં ગુમ થઈ હતી અને સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા અને જાહેર જનતાને કોઈ સૂચના આપવામાં આવી નહોતી. ગુમ થયેલી ફાઇલો શુક્રવારે વેબસાઇટ પર ઉપલબ્ધ હતી અને શનિવારે એ જોવા મળી નહોતી.
જસ્ટિસ વિભાગે એ જણાવ્યું નથી કે ફાઇલો કેમ દૂર કરવામાં આવી હતી અથવા એના ગાયબ થવાનો હેતુ શું હતો. ઑનલાઇન ગુમ થયેલી ફાઇલોમાં શું દૂર કરવામાં આવ્યું હતું અને શા માટે જાહેર જનતાને જાણ કરવામાં આવી નથી એથી અનેક અટકળો થઈ રહી છે.
એપ્સ્ટાઇન ફાઇલોમાં મહિલાના પોશાકમાં બિલ ક્લિન્ટનનું ઑઇલ પેઇન્ટિંગ
એપ્સ્ટાઇન ફાઇલોના ભાગરૂપે ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનનું મહિલાના પોશાકમાં પેઇન્ટિંગ બહાર પાડવામાં આવ્યું છે. બિલ ક્લિન્ટનનું આ ઑઇલ પેઇન્ટિંગ એપ્સ્ટાઇનના ન્યુ યૉર્ક ટાઉનહાઉસમાંથી લટકતું મળી આવ્યું હતું. આ પેઇન્ટિંગ ઑસ્ટ્રેલિયામાં જન્મેલી કલાકાર પેટરિના રાયન-ક્લીડે બનાવ્યું હતું. પેઇન્ટિંગના મુદ્દે પેટરિનાએ કહ્યું હતું કે બ્લુ ડ્રેસ મોનિકા લેવિન્સ્કીના એ બ્લુ ડ્રેસનો સંદર્ભ છે જે ક્લિન્ટનના તેમની ભૂતપૂર્વ ઇન્ટર્ન સાથેના અફેરનો એક મુખ્ય પુરાવો છે.