સાઉથ આફ્રિકાના પબમાં ૨૧ ટીનેજરોનાં રહસ્યમય મોત

28 June, 2022 08:48 AM IST  |  East London | Gujarati Mid-day Correspondent

માર્યા ગયેલાઓમાંના કેટલાક ટીનેજર્સ તેમની પરીક્ષા પૂરી થયાની તો કેટલાક બર્થ-ડેની ઉજવણી કરવા આવ્યા હતા

સાઉથ આફ્રિકાના ઈસ્ટ લંડન શહેરમાં આવેલી નાઇટ ક્લબની બહાર ઊભેલા મૃત્યુ પામેલા ટીનેજર્સના ચિંતાતુર પરિવારજનો અને મિત્રો.

સાઉથ આફ્રિકાએ રવિવારે એક નાઇટ ક્લબમાં અસામાન્ય સંજોગોમાં મૃત્યુ પામેલા ૨૧ ટીનેજરોને લઈને તપાસ શરૂ કરી છે. અગાઉ આ તમામ લોકોનાં મૃત્યુ નાસભાગ દરમ્યાન થયાં હોવાની વાતને નકારી કાઢવામાં આવી છે. પોલીસે જણાવ્યા અનુસાર તેમણે જરૂર કંઈક એવું ખાધું કે પીધું હશે અથવા તો ધૂમ્રપાન કર્યું હશે જેને કારણે તેમનાં મૃત્યુ થયાં છે. માર્યા ગયેલાઓમાંના કેટલાક ટીનેજર્સ તેમની પરીક્ષા પૂરી થયાની તો કેટલાક બર્થ-ડેની ઉજવણી કરવા આવ્યા હતા. 

તેમના મૃત્યુના કારણની વિગતો જાહેર કરવામાં આવશે. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કહ્યું કે આટલી નાની વયના છોકરાઓ કઈ રીતે પબમાં આવ્યા. સાઉથ આફ્રિકામાં ૧૮થી ઓછી વયનાં બાળકોને ડ્રિન્ક આપવાનું ગેરકાયદે છે. ક્લબનું લાઇસન્સ ગઈ કાલે રદ કરવામાં આવ્યું છે.

international news south africa