25 November, 2025 08:02 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
દુબઈમાં રવિવારે વાર્ષિક દુબઈ રનનું આયોજન કરવામાં આવ્યું હતું
દુબઈમાં રવિવારે વાર્ષિક દુબઈ રનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાનાં બાળકોથી લઈને સિનિયર સિટિઝનો સહિત કુલ ૩,૦૭,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ રન દુબઈના સૌથી વ્યસ્ત એવા શેખ ઝાયેદ રોડ પર યોજાઈ હતી અને આ રોડને સૌથી મોટા રનિંગ-ટ્રૅકમાં ફેરવી દેવામાં આવ્યો હતો. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના રાષ્ટ્રીય ધ્વજ, બૅન્ડ અને આતશબાજીએ એની ભવ્યતામાં વધારો કર્યો હતો.
દુબઈ રન વિશ્વની સૌથી મોટી ફ્રી કમ્યુનિટી રન છે. આ ઇવેન્ટ UAEના ડેપ્યુટી વડા પ્રધાન શેખ હમાદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમના નેતૃત્વ હેઠળના દુબઈ ફિટનેસ ચૅલેન્જનો એક ભાગ છે. દુબઈ ફિટનેસ ચૅલેન્જની શરૂઆત ૨૦૧૯માં થઈ હતી અને ત્યારથી લોકોની ભાગીદારીમાં ત્રણ ગણો વધારો થયો છે. દુબઈ રનનું આયોજન દુબઈ ડિપાર્ટમેન્ટ ઑફ ઇકૉનૉમી ઍન્ડ ટૂરિઝમ અને દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા સરકારી અને ખાનગી ક્ષેત્રના સમર્થનથી કરવામાં આવે છે. સાતમી દુબઈ રનમાં દુબઈ મૉલ નજીક પાંચ કિલોમીટરનો રૂટ સમાપ્ત થતો હતો અને ૧૦ કિલોમીટરનો રૂટ DIFC ગેટ પર સમાપ્ત થતો હતો. બન્ને રૂટ પર મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર, દુબઈ વૉટર કનૅલ, બુર્જ ખલીફા અને અન્ય મુખ્ય સ્થળોને આવરી લેવામાં આવ્યાં હતાં. હવે ૩૦ નવેમ્બરે ઝબીલ પાર્ક ખાતે દુબઈ યોગ ફિનાલે યોજાશે અને એની સાથે એક મહિનાથી ચાલતી દુબઈ ફિટનેસ ચૅલેન્જનો અંત આવશે.