નેપાલ અને તિબેટ સરહદે ૪૭ ગ્લેશિયર લેક ખતરનાક સ્તરે પહોંચ્યા, વૈજ્ઞાનિકોની મોટી તારાજીની ચેતવણી

28 August, 2026 06:08 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

ગ્લોબલ વૉર્મિંગને કારણે હિમનદીઓ પીગળી, લાંગટાંગ વિસ્તારમાં જીવલેણ પૂરનો ખતરો વધી ગયો

ફાઇલ તસવીર

નેપાલ અને તિબેટની સરહદ પર લાંગટાંગ-ત્રિશૂલી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર બાદ હિમાલયની નાજુક ઇકો-સિસ્ટમ ફરી ચર્ચામાં છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે અહીં ઊંચાઈ પર આવેલી હિમનદીઓ અત્યંત ઝડપથી પીગળી રહી છે. ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટન ડેવલપમેન્ટ (ICIMOD) અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના ડેટા મુજબ આ વિસ્તારમાં ૩૬૨૪ જેટલા ગ્લેશિયર લેક સંવેદનશીલ હોવાનું સામે આવ્યું છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આમાંનાં ૪૭ સરોવરો અત્યંત ખતરનાક છે. એમાં ૨૧ નેપાલમાં, ૨૫ તિબેટમાં અને એક ભારતમાં છે. તાપમાન વધવાને કારણે આ સરોવરોનું જળસ્તર સતત વધી રહ્યું છે. હિમનદીઓ પીગળવાથી સર્જાતાં આ સરોવરોની માટી અને પથ્થરની પાળ સતત નબળી પડી રહી છે.

જો ભવિષ્યમાં ભારે વરસાદ, હિમપ્રપાત કે ધરતીકંપ આવે તો આ સરોવરો ગમે ત્યારે ફાટી શકે છે. ભૂતકાળમાં પણ આવી જ રીતે એકઠું થયેલું પાણી અચાનક છૂટવાથી ભારે તારાજી સર્જાઈ હતી. નેપાલ જેવા પહાડી દેશ માટે આ સરોવરો જીવતો બૉમ્બ સાબિત થાય છે. સમય રહેતાં અગાઉથી ચેતવણીની સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગોતરી તૈયારી નહીં કરાય તો ભવિષ્યમાં મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે.

international news world news nepal tibet himalayas