અમેરિકામાં ગેરકાયદે ઘૂસવામાં ૫૦ જણને મળ્યું મોત

29 June, 2022 08:48 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટેક્સસ સ્ટેટમાં એક ટ્રકમાંથી માઇગ્રન્ટ્સ મૃત અવસ્થામાં મળી આવ્યા

અમેરિકાના સૅન ઍન્ટોનિયોમાં એક રોડની બાજુ પર તરછોડી દેવામાં આવેલી આ ટ્રકમાંથી રડવાના અવાજો આવ્યા બાદ એક સ્થાનિક વર્કરે ફેડરલ ઑથોરિટીને જાણ કરી હતી

વૉશિંગ્ટન : અમેરિકાના ટેક્સસ સ્ટેટમાં સોમવારે એક ટ્રકમાંથી ઓછામાં ઓછા ૫૦ માઇગ્રન્ટ્સ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ ટ્રકને મધ્ય ટેક્સસમાં સૅન ઍન્ટોનિયોમાં એક રોડની બાજુ પર તરછોડી દેવામાં આવી હતી. નોંધપાત્ર છે કે, કેટલાક ગુજરાતીઓ પણ કેનેડાની સરહદેથી ગેરકાયદે અમેરિકામાં એન્ટર થતાં પકડાયા છે. આ કોશિશમાં કેટલાક ગુજરાતીઓનો જીવ પણ ગયો છે. કેનેડા અને મેક્સિકો બંનેની સરહદેથી અમેરિકામાં ઘૂસણખોરી થઈ રહી છે.  
સૅન ઍન્ટોનિયોમાં આ ઘટના તાજેતરનાં વર્ષોમાં માઇગ્રન્ટ્સ ભોગ બન્યા હોય એવી સૌથી ખરાબ દુર્ઘટનાઓ પૈકીની એક છે. આ જ શહેરમાં પાંચ વર્ષ પહેલાં આ જ પ્રકારની કરુણ ઘટના બની હતી. સૅન ઍન્ટોનિયોના ફાયર ચીફ ચાર્લ્સ હુડે મીડિયાને જણાવ્યું હતું કે ‘૫૦ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ૧૨ ઍડલ્ટ્સ અને ચાર બાળક સહિત ૧૬ લોકો જીવંત અને સભાનાવસ્થામાં મળી આવ્યા હતા. તેમને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.’
હુડે વધુ કહ્યું હતું કે ‘અમે જે પેશન્ટ્સ જોયા હતા તેમના શરીર સ્પર્શ કરતાં ખૂબ ગરમ લાગતા હતા. તેઓ હીટ સ્ટ્રોકથી પીડાતા હતા. વેહિકલમાં પાણી હોવાની પણ કોઈ સાઇન નહોતી. એ રેફ્રિજરેટેડ ટ્રક હતી, પરંતુ એમાં કોઈ એસી યુનિટ કામ કરતું હોય એમ જણાતું નહોતું.’
આ ટ્રકમાં ૨૦૦થી વધારે લોકોને લાવવામાં આવ્યા હોવાનું મનાય છે. એક પાર્કિંગ લોટમાં આ ટ્રક રોકાઈ હતી ત્યારે એમાંથી મોટા ભાગના ભાગી ગયા હોવાનું મનાય છે.
મેક્સિકોની બૉર્ડરથી ૨૫૦ કિલોમીટરના અંતરે આવેલા સૅન ઍન્ટોનિયો એ મેક્સિકોથી અમેરિકામાં લોકોને ગેરકાયદે ઘુસાડવા માટેનો મુખ્ય રૂટ છે.
ઘટનાસ્થળે પોલીસ, ફાયર ફાઇટર્સ અને ઍમ્બ્યુલન્સિસ આ વ્યાપક ઇમર્જન્સી ઑપરેશનમાં જોડાયાં હતાં. ટેક્સસના રિપબ્લિકન ગવર્નર ગ્રેગ એબોટે આ ડિઝૅસ્ટર માટે પ્રેસિડન્ટ જો બાઇડનને જવાબદાર ગણાવ્યા હતા. ગ્રેગ મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા માટે કડક પગલાંની તરફેણમાં છે.
ફેડરલ પોલીસ અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ૪૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે બે જણનાં હૉસ્પિટલમાં મોત થયાં હતાં. 
આ માઇગ્રન્ટ્સ મોટા ભાગે મેક્સિકો, ગ્વાટેમાલા અને હોન્ડુરસના હોવાનું મનાય છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકન ફેડરલ ઑથોરિટીએ મેક્સિકોની સરહદેથી ગેરકાયદે અમેરિકામાં લોકોને ઘુસાડવામાં આ‍વતા રોકવા માટે એક વ્યાપક ઑપરેશન શરૂ કર્યું હતું. 

international news united states of america