20 December, 2025 09:35 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
એપ્સ્ટાઇન કૌભાંડમાં માઇક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સનું નામ બહાર આવ્યું હતું અને આ મહિલા સાથે તેમની તસવીર બહાર પડી હતી
અમેરિકામાં કૉન્ગ્રેશનલ ડેમોક્રૅટ્સે ગુરુવારે જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટાઇનની એસ્ટેટમાંથી મળી આવેલી ઢગલાબંધ તસવીરોમાંથી ૬૮ તસવીરો રિલીઝ કરી હતી જેને અગાઉ ક્યારે જોવામાં આવી નથી. એમાં માઇક્રોસૉફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ગૂગલના સ્થાપક સર્ગેઇ બ્રિન, ફિલ્મનિર્માતા વુડી ઍલન, રાજકીય ફિલોસૉફર અને કાર્યકર નોઆમ ચોમ્સ્કી અને ટ્રમ્પના ભૂતપૂર્વ સહાયક સ્ટીવ બેનનને દર્શાવતી તસવીરોનો સમાવેશ છે.
બે તસવીરોમાં અબજોપતિ બિલ ગેટ્સ મહિલાઓ સાથે જોવા મળે છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી કે બે મહિલાઓ એક જ છે કે અલગ.
આ ફોટો કોઈ પણ ખોટા કામમાં સંડોવણી સૂચવતા નથી. આ માહિતી એપ્સ્ટાઇનની ફાઇલો પ્રકાશિત થયા પછી જ ઉપલબ્ધ થશે.
યુએસ ન્યાય વિભાગ આજે આ સેક્સ કૌભાંડ સંબંધિત બધી ફાઇલો જાહેર કરે એવી શક્યતા છે. અગાઉ ૧૨ ડિસેમ્બરે ૧૯ તસવીરો બહાર પાડવામાં આવી હતી જેમાં બિલ ગેટ્સ અને અમેરિકાના વર્તમાન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પણ જોવા મળ્યા હતા. જોકે ટ્રમ્પે આ તસવીરોને ‘કોઈ મોટી વાત નથી’ એમ કહીને ગણકારી નહોતી.
લેટેસ્ટ તસવીરોમાં કોઈ ભારતીય વ્યક્તિની સંડોવણી જાહેર નથી થઈ.
જેફરી એપ્સ્ટાઇન ન્યુ યૉર્કનો કરોડપતિ ફાઇનૅન્સર હતો. તેની અગ્રણી રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ સાથે મિત્રતા હતી. ૨૦૦૫માં તેના પર એક સગીરનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૨૦૦૮માં તેને એક સગીર પાસેથી સેક્સ માગવા માટેનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને ૧૩ મહિના જેલમાં રહ્યો હતો. ૨૦૧૯માં જેફરીની સેક્સ ટ્રાફિકિંગના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેણે ટ્રાયલ પહેલાં જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. તેની પાર્ટનર ગિસ્લેન મૅક્સવેલને ૨૦૨૧માં તેને મદદ કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. તે હાલમાં ૨૦ વર્ષની સજા ભોગવી રહી છે.