સુદાનમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર : ૭નાં મૃત્યુ

27 October, 2021 09:50 AM IST  |  Khartum | Gujarati Mid-day Correspondent

સુદાનમાં કામચલાઉ ઘડેલી વચગાળાની સરકાર પાસેથી સૈન્યએ સત્તા છીનવી લીધા બાદ દેશની રાજધાનીમાં હજારો લોકો વિરોધમાં ઊમટી પડ્યા હતા

સુદાનમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર

સુદાનમાં ચાલી રહેલા આંતરવિગ્રહમાં ૭ વ્યક્તિનો ભોગ લેવાયો છે. લશ્કર સામેના વિરોધ-પ્રદર્શનમાં હજારો લોકો જોડાઈને સડકો પર ઊતરી આવ્યા હતા, જેમના પર ગોળીબાર કરાતાં ઓછામાં ઓછા ૭ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૧૪૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. સુદાનમાં કામચલાઉ ઘડેલી વચગાળાની સરકાર પાસેથી સૈન્યએ સત્તા છીનવી લીધા બાદ દેશની રાજધાનીમાં હજારો લોકો વિરોધમાં ઊમટી પડ્યા હતા. નાગરિકોના જૂથે સૈન્ય પાસે માગણી કરી હતી કે સત્તા ફરી બિનલશ્કરી નાગરિકી સંગઠનના હાથમાં સોંપવામાં આવે. સૈન્યએ વચગાળાની સરકારના વડા પ્રધાન સહિત પદાધિકારીઓ અને ઉચ્ચાધિકારીઓની ધરપકડ કરી લીધી છે. બે વરસ પહેલાંના સત્તાપરિવર્તન પછી નાગરિકી અને લશ્કરી સંગઠને મળીને વચગાળાની સરકાર રચી હતી. જોકે હવે તેને પણ લશ્કરે ઉથલાવી પાડી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સુદાનમાં થયેલી હિંસાની આકરી ટીકા થઈ રહી છે અને ધરપકડ કરાયેલા નેતાઓને મુક્ત કરવાની માગણી કરવામાં આવી રહી છે.

international news sudan