ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી ૮ બાળદરદીઓનાં મોત

21 July, 2026 09:25 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

૬૩ શંકાસ્પદ કેસમાંથી ૧૨ પૉઝિટિવ: આરોગ્ય વિભાગની સમીક્ષા-બેઠક યોજાઈ: ભરૂચમાં ૨૦ વર્ષનો યુવાન પણ બન્યો શિકાર

ચાંદીપુરા વાઇરસ કેસને લઈને આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા-બેઠક યોજાઈ હતી.

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કારણે અત્યાર સુધીમાં ૮ દરદીઓનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં કુલ ૬૩ શંકાસ્પદ કેસમાંથી ૧૨ પૉઝિટિવ કેસ છે. અેમાંથી ૯ કેસ ગુજરાતના અને ૩ કેસ રાજસ્થાનના દરદીના છે. કુલ ૬૩ કેસના નમૂનાઓમાંથી પંચાવનના પરીક્ષણના રિપોર્ટ આવી ગયા છે અને બાકીના ૮ પરીક્ષણના રિપોર્ટ આવવાના બાકી છે. ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈ કાલે ગુજરાતના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા-બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાઇરસના ફેલાવાનાં કારણો, લૅબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલાં પગલાંઓની સમીક્ષા કરવામાં આવી હતી.  

પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે ‘પંચમહાલ અને ખેડા જિલ્લામાં બે કેસ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર જિલ્લા અને અમદાવાદ શહેરમાં ૧–૧ કેસ નોંધાયા છે. સૌથી મોટી ઉંમરનો પેશન્ટ ભરૂચમાં ૨૦ વર્ષનો છે. બાકી ૧૦ વર્ષથી અંદરના પેશન્ટ છે.’ 

gujarat news gujarat bharuch gujarat government healthy living