27 November, 2025 08:28 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
શેખ હસીના
નૅશનલ બોર્ડ ઑફ રેવન્યુ (NBR)ના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ સેલ (CIC)એ બંગલાદેશની અગ્રણી બૅન્કની પ્રિન્સિપલ બ્રાન્ચમાં પદભ્રષ્ટ કરાયેલાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના નામે રાખેવામાં આવેલી બે તિજોરીઓ તોડીને મોટી માત્રામાં સોનાના દાગીના શોધી કાઢ્યા છે, જેની કિંમત ૧૧થી ૧૨ કરોડ રૂપિયા છે. CICના એક અધિકારીએ જણાવ્યું હતું કે બૅન્કના નિયમો અનુસાર તિજોરી-નંબર ૭૫૧ અને ૭૫૩ ખોલવામાં આવી ત્યારે એમાંથી ૮૩૨ ભોરી સોનાના દાગીના મળી આવ્યા હતા. એક ભોરી એટલે લગભગ ૧૧.૬૬ ગ્રામ થાય છે એ મુજબ ૮૩૨ ભોરી એટલે કુલ ૯.૬૭ કિલો જેટલું સોનું શેખ હસીના લૉકરમાંથી મળ્યું હતું.
સમગ્ર પ્રક્રિયા બૅન્કના સંબંધિત નિયમોનું પાલન કરીને હાથ ધરવામાં આવી હતી.
આ પહેલાં ૧૭ સપ્ટેમ્બરે CICએ ઢાકાના દિલકુશામાં અગ્રણી બૅન્કની મુખ્ય શાખામાં કાર્યવાહી હાથ ધરી હતી અને બે લૉકર જપ્ત કર્યાં હતાં. શેખ હસીનાના નામ હેઠળ લૉકર-નંબર ૭૫૧ અને ૭૫૩ નોંધાયેલાં હતાં. એ દિવસે કરચોરી અને નાણાકીય અનિયમિતતાની શંકાના આધારે લૉકર્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં. એ જ દિવસે પુબાલી બૅન્કની શાખામાં તેમના નામે રાખેલી બીજી તિજોરી ખોલવામાં આવી હતી. જોકે ત્યાં સોનાના કોઈ દાગીના કે કીમતી વસ્તુઓ મળી નહોતી. ૧૦ સપ્ટેમ્બરે પુબાલી બૅન્કની મોતીઝીલ કૉર્પોરેટ શાખામાં શેખ હસીનાનું બીજું લૉકર (નંબર ૧૨૮) જપ્ત કર્યું હતું. એ જ દિવસે એ જ શાખામાં તેમનાં બે બૅન્ક-ખાતાં પણ ઓળખાયાં હતાં. એક ખાતામાં આશરે ૧૨ લાખ ટાકાની ફિક્સ્ડ ડિપોઝિટ (FDR) હતી, જ્યારે બીજા ખાતામાં ૪૪ લાખ ટાકાનું બૅલૅન્સ હતું.