04 December, 2025 09:07 AM IST | Afghanistan | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાનમાં મંગળવારે તાલિબાને ખોસ્ત શહેરમાં એક પરિવારના ૧૩ સભ્યોની હત્યાના આરોપમાં મંગાલ ખાન નામના અપરાધીને જાહેરમાં મૃત્યુદંડની સજા આપી હતી
અફઘાનિસ્તાનમાં મંગળવારે તાલિબાને ખોસ્ત શહેરમાં એક પરિવારના ૧૩ સભ્યોની હત્યાના આરોપમાં મંગાલ ખાન નામના અપરાધીને જાહેરમાં મૃત્યુદંડની સજા આપી હતી. ૨૦૨૧માં તાલિબાને કબજો મેળવ્યા પછી કાબુલમાં મૃત્યુદંડની આ અગિયારમી સજા હતી. જાહેરમાં મૃત્યુદંડથી અફઘાનિસ્તાનમાં શરિયા કાયદાનું પુનરાગમન પણ થઈ ચૂક્યું છે. કાયદાના અન્ય અમલીકરણમાં અફઘાન મહિલાઓ અને છોકરીઓ માટે શિક્ષણ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
ખોસ્ત પ્રાંતના એક સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ૮૦,૦૦૦ લોકોની સામે મંગાલ ખાનને ગોળી મારવામાં આવી હતી. મંગાલ ખાને તેના સંબંધી અબ્દુલ રહેમાન અને તેના પરિવારના ૧૩ સભ્યોની હત્યા કરી હતી, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. મંગાલ ખાન પર ૧૩ વર્ષના છોકરાએ ગોળી ચલાવી હતી, જે અબ્દુલ રહેમાન પરિવારનો મેમ્બર હતો.
એક દિવસ પહેલાં તાલિબાને જાહેર જનતાને આ ઘટના જોવા માટે આમંત્રણ આપતી નોટિસ જાહેર કરી હતી. તેમને ખોસ્તના સેન્ટ્રલ સ્ટેડિયમમાં ભેગા થવાનું કહેવામાં આવ્યું હતું.
૧૧ લોકોને મૃત્યુદંડની સજા
૨૦૨૧ની ૧૫ ઑગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાનમાં ફરીથી સત્તા કબજે કરી ત્યારથી અગિયારમી વખત કોઈ વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. છેલ્લાં ૪ વર્ષમાં તાલિબાન સુપ્રીમ કોર્ટે ૧૭૬ લોકોને મૃત્યુદંડની સજા ફટકારી છે. તાલિબાન કાયદા હેઠળ હત્યા, વ્યભિચાર અને ચોરી જેવા ગુનાઓ માટે મૃત્યુદંડ, અંગવિચ્છેદન અથવા કોરડા મારવાની સજા થઈ શકે છે.