30 October, 2025 12:30 PM IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent
આ સ્ટેડિયમ ટેક્નૉલૉજી અને કન્સ્ટ્રક્શનની દૃષ્ટિએ અઘરું
વિશ્વનું આ પહેલું હવાઈ સ્ટેડિયમ હશે: રિન્યુએબલ એનર્જીથી સંચાલિત સ્ટેડિયમમાં ૪૬,૦૦૦ દર્શકો બેસી શકશે: ૨૦૩૪ના ફિફા વર્લ્ડ કપની મૅચો અહીં રમાશે એવો દાવો
સાઉદી અરેબિયાએ ફિફા વર્લ્ડ કપ ૨૦૩૪ માટે એક એવો પ્રોજેક્ટ જાહેર કર્યો છે જે દુનિયા આખીને દંગ કરી દે એવો છે. રણપ્રદેશમાં ૩૫૦ મીટર ઊંચે હવામાં સ્ટેડિયમ બનાવવાનો પ્લાન જાહેર થયો છે. NEOM મેગા સિટી પ્રોજેક્ટ પહેલેથી જ ફ્યુચરિસ્ટિક વિચાર અને અત્યાધુનિક ટેક્નૉલૉજી માટે આખી દુનિયામાં ચર્ચા પામી રહ્યો છે. એમાં જ આ સ્ટેડિયમ બનશે. સાઉદી અરેબિયાનો દાવો છે કે આ પ્લાન માત્ર એક સ્ટેડિયમ જ નહીં, પરંતુ નવા વિચાર અને મૉડર્ન ટેક્નિકનું પ્રતીક છે. હવામાંના સ્ટેડિયમમાં લગભગ ૪૬,૦૦૦ દર્શકો બેસી શકે એટલી જગ્યા હશે અને એ સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જીથી સંચાલિત હશે. જમીનથી ૩૫૦ મીટર ઊંચે હજારોની સંખ્યામાં લોકોને લાવવા-લઈ જવા માટે હાઈ-સ્પીડ લિફ્ટ અને ઑટોમૅટિક પૉડ્સ બનાવવામાં આવશે.
સ્પોર્ટ્સ અને ટૂરિઝમ બન્ને
આ સ્ટેડિયમ ‘ધ લાઇન’ નામના પ્રોજેક્ટની વચ્ચે બનશે. એ કાચના ચમકદાર ઊંચા બિલ્ડિંગની ઉપર હશે જે ખેલાડીઓ ઉપરાંત દર્શકોને સાઉદી અરેબિયાના રણવિસ્તારનો શાનદાર વ્યુ આપશે. આમાં રમત તો કેન્દ્રમાં રહેશે જ, પણ સાથે એક મજેદાર અનુભવ પણ મળશે.
સાઉદી અરેબિયાની સરકાર તો આ પ્રોજેક્ટ ૨૦૩૨ સુધીમાં પૂરો કરી દેવાનો દાવો કરી રહી છે. જોકે ૮૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારું આ સ્ટેડિયમ ટેક્નૉલૉજી અને કન્સ્ટ્રક્શનની દૃષ્ટિએ અઘરું હોવાથી ફિફા વર્લ્ડ કપ ૨૦૩૪ પહેલાં પણ બની શકશે કે કેમ એ વિશે અનેક નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા છે.