અહીં પમ્પકિનને હેલો કહેવા પહોંચે છે લોકો

24 October, 2025 10:16 AM IST  |  Ukraine | Gujarati Mid-day Correspondent

લોકોના મનોરંજન માટે પમ્પકિન થીમનાં ફોટો ઇન્સ્ટૉલેશન્સ પણ ફેસ્ટિવલમાં મૂકવામાં આવ્યાં છે.

મેળા જેવા ઉલ્લાસને લીધે ઘણાં કપલ્સ માટે રોમૅન્ટિક માહોલ સર્જાયો હતો.

સાડાત્રણ વર્ષથી યુદ્ધમાં ધકેલાયેલા યુક્રેનમાં હવે લોકોએ યુદ્ધની ખુવારી અને તબાહીનાં દૃશ્યો વચ્ચે સામાન્ય જીવનની ટેવ પાડી દીધી છે. રશિયાના હુમલાઓ વચ્ચે પણ રાજધાની કીવમાં ભવ્ય પમ્પકિન ફેસ્ટિવલ યોજાઈ ગયો હતો. લોકો યુદ્ધના વિનાશને ભૂલવા આવા ફેસ્ટિવલમાં બમણા ઉત્સાહથી ભાગ લેતા જોવા મળ્યા હતા. ૧૭ ઑક્ટોબરે શરૂ થયેલા અને ૨૬ ઑક્ટોબર સુધી ચાલનારા ‘હેલો પમ્પકિન’ નામના આ ફેસ્ટિવલમાં લોકો પમ્પકિન એટલે કે કોળાની વાનગીઓથી લઈને બ્રાઉની, બન્સ અને ડ્રિન્ક્સ સુધીની અનેક વરાઇટીઝ માણવા આવે છે. લોકોના મનોરંજન માટે પમ્પકિન થીમનાં ફોટો ઇન્સ્ટૉલેશન્સ પણ ફેસ્ટિવલમાં મૂકવામાં આવ્યાં છે. મેળા જેવા ઉલ્લાસને લીધે ઘણાં કપલ્સ માટે રોમૅન્ટિક માહોલ સર્જાયો હતો.

ગાયોની રેસ જોઈ છે?

ઘોડાની રેસ વિશે તો બધાએ જોયું-જાણ્યું છે, પણ કદી ગાયોની રેસ વિશે સાંભળ્યું છે? સ્વિટ્ઝરલૅન્ડના એક નાનકડા ગામમાં આ રેસ યોજાય છે જે આખા વિશ્વનું ધ્યાન ખેંચે છે. કાઉ રેસ ગ્રાં-પ્રી નામની આ રેસમાં માત્ર મહિલાઓ ભાગ લે છે અને તેમની ગાય પર બેસીને રેસમાં ભાગ લે છે એટલું જ નહીં, બે રાઉન્ડની આ રેસમાં પ્રથમ આવનારી મહિલાને પુરસ્કાર પણ મળે છે. આ રેસ સ્થાનિક પરંપરાનો હિસ્સો છે. જોકે આ રીતે સત્તાવાર રીતે આયોજિત રેસની શરૂઆત ૨૦૦૬થી થઈ હતી. રેસમાં ભાગ લેવા આવેલી મહિલાઓ તેમની ગાયોને સજાવી-ધજાવીને લાવે છે. શણગારેલી ગાયો અને ઉત્સાહી મહિલાઓની આ રેસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે.

international news world news russia festivals culture news ukraine