ઍમ્સ્ટરડૅમના ૧૫૪ વર્ષ જૂના ઐતિહાસિક ચર્ચમાં ન્યુ યર પર લાગી ભીષણ આગ, ‌મિનારો ધસી પડ્યો

02 January, 2026 09:02 AM IST  |  Netherlands | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સના બ્રેડા શહેરમાં લોકોએ પોલીસ અને ફાયર-ફાઇટરો પર હુમલો કર્યો હતો.

ઍમ્સ્ટરડૅમમાં હેરિટેજ ચર્ચમાં અચાનક લાગેલી આગમાં ચર્ચનો મિનારો બળીને ખાખ થઈ ગયો હતો.

નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટરડૅમમાં ૧૫૪ વર્ષ જૂના વૉન્ડેલકેર્ક ચર્ચમાં નવા વર્ષની રાતે જ આતશબાજી પછી અચાનક ભયાનક આગ લાગતાં ન્યુ યરનું સેલિબ્રેશન દુખમાં બદલાઈ ગયું હતું. વૉન્ડલકેર્ક ચર્ચમાં રાતે ૧૨.૪૫ વાગ્યે અચાનક આગ ફાટી હતી જે ખૂબ ઝડપથી ચર્ચમાં ફેલાઈ ગઈ હતી. સૌથી પહેલાં ચર્ચની છત પર આગ દેખાઈ અને ઊંચા મિનાર સુધી ફેલાઈ ગઈ હતી. ચર્ચનો ઢાંચો લાકડીનો હોવાથી રાતે લગભગ ૨.૩૦ સુધીમાં ચર્ચાનો મિનારો તૂટી પડ્યો હતો. આ ચર્ચ ટૂરિસ્ટો માટે આકર્ષણનું સ્થળ છે જે ૧૮૭૨ની સાલમાં બન્યું હતું.

ચર્ચમાં આગ લાગવાનું કારણ ખબર પડી નહોતી. મોટા ભાગે ફટાકડા ફૂટવાને કારણે ચર્ચના જૂના લાકડાના ઢાંચાએ આગ પકડી લીધી હોવાનું મનાય છે. ચર્ચમાં આગ લાગ્યા પછી અડધી રાતે ડચ લોકોએ પોલીસ અને ઇમર્જન્સી સર્વિસ પર હુકલો કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસનું કહેવું છે કે આવી હિંસા પહેલાં કદી જોવા નથી મળી. ઍમ્સ્ટરડૅમમાં ડ્યુટી કરી રહેલી ઇમર્જન્સી ટીમ પર ત્રણ વાર ફટાકડા અને અન્ય વિસ્ફોટો ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો. અડધી રાત પછી સ્થાનિક અધિકારીઓએ મોબાઇલ પર લોકોને સંદેશ મોકલ્યા હતા કે જીવ ખતરામાં ન હોય ત્યાં સુધી ઇમર્જન્સી સર્વિસને ફોન ન કરો, કેમ કે ઇમર્જન્સી સર્વિસના લોકો ઓવરલોડેડ છે.

નેધરલૅન્ડ્સના બ્રેડા શહેરમાં લોકોએ પોલીસ અને ફાયર-ફાઇટરો પર હુમલો કર્યો હતો. ફટાકડાઓ ફોડવાને કારણે બે લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

international news world news netherlands fire incident new year