વૉશિંગ્ટનથી લૉસ ઍન્જલસ સુધી અમેરિકામાં દેખાવો

26 June, 2022 09:05 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગર્ભપાત બંધારણીય અધિકાર રહ્યો ન હોવાના ચુકાદા બાદ એની તરફેણમાં અને વિરોધમાં મોટા પાયે દેખાવો થઈ રહ્યા છે

ઍટલાન્ટામાં પણ મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને દેખાવો કર્યા હતા

અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે રો વર્સસ વેડ ચુકાદાને ઉથલાવ્યો હતો. આ સાથે જ હવે અમેરિકામાં ગર્ભપાત બંધારણીય અધિકાર રહ્યો નથી. આ ચુકાદાના પગલે અમેરિકામાં વધુ એક વખત સ્થિતિ વણસી શકે છે. આ ચુકાદાના સપોર્ટર્સ અને વિરોધીઓ ગઈ કાલે વૉશિંગ્ટનમાં અદાલતના બિલ્ડિંગની બહાર તેમ જ બીજાં કેટલાંક શહેરોમાં એકત્ર થયા હતા.  

સમગ્ર અમેરિકામાં ઓછાંમાં ઓછાં ૭૦ સ્થળોએ દેખાવો માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્લાન્ડ પેરન્ટહુડ, બૅન્સ ઑફ અવર બૉડીઝ અને વિમેન્સ માર્ચ જેવાં સંગઠનો આ દેખાવો માટે આયોજન કરી રહ્યાં છે.

પ્રદર્શનકર્તાઓએ લોકોને અબૉર્શન પિલ્સ ખરીદીને એ લોકોમાં વહેંચવા માટે જણાવ્યું છે. મોટા ભાગે દેખાવો શાંતિપૂર્વક રહ્યા હતા. જોકે, કેટલીક જગ્યાઓએ પોલીસ અને પ્રદર્શનકર્તાઓની વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ન્યુ યૉર્કના ગ્રીનવિચ ગામમાં હજારો લોકોએ સૂત્રોચ્ચાર કરીને શાંતિપૂર્વક દેખાવો કર્યા હતા. લૉસ ઍન્જલસમાં પ્રદર્શનકર્તાઓના લીધે ટ્રાફિક બ્લૉક થઈ ગયો હતો. કૅલિફૉર્નિયામાં અબૉર્શન લીગલ રહેશે. જોકે પ્રદર્શનકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ અન્ય રાજ્યોની મહિલાઓને સપોર્ટ આપી રહ્યા છે.

અમેરિકન કંપનીઓ મદદ કરવા તૈયાર

અમેરિકાની સુપ્રીમ કોર્ટ અબૉર્શન માટે બંધારણીય પ્રોટેક્શનનો અંત લાવી છે. હવે રાજ્યો અબૉર્શન પર પ્રતિબંધ મૂકી શકે છે. આવી સ્થિતિમાં અનેક અમેરિકન કંપનીઓએ જણાવ્યું છે કે તેઓ તેમના એમ્પ્લોયીઝને અબૉર્શન માટે રાજ્યની બહાર ટ્રાવેલિંગ માટે મદદ કરશે. ઍમેઝૉન, ઍપલ, માઇક્રોસૉફ્ટ, મેટા પ્લૅટફૉર્મ્સ, વોલ્ટ ડિઝની, નેટફ્લિક્સ, સિટીગ્રુપ, જેપી મૉર્ગન, અમેરિકન એક્સપ્રેસ અને ઉબર ટેક્નૉલૉજીઝે આ રીતે મહિલા એમ્પ્લોયીઝને મદદ કરવાની વાત કહી છે.

international news united states of america