પહેલીવાર અફઘાનિસ્તાનના તાલિબાની પીએમ આવ્યા સામે, ઇસ્લામિક દેશો પાસે કરી આ માગ

19 January, 2022 01:43 PM IST  |  Kabul | Gujarati Mid-day Online Correspondent

બુધવારે મીડિયા સાથે વાત કરતા અખુંદે વિશ્વભરના દેશોને અફઘાનિસ્તાનમાં તાલિબાનના વહીવટને માન્યતા આપવાની અપીલ કરી હતી.

તસવીર/એએફપી

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તાની સ્થાપના બાદ પ્રથમ વખત રખેવાળ વડાપ્રધાન મુલ્લા હસન અખુંદ સામે આવ્યા છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા અખુંદે વિશ્વભરના દેશોને અફઘાનિસ્તાનમાં તાલિબાનના વહીવટને માન્યતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે “તમામ દેશોએ આગળ વધવું જોઈએ અને તાલિબાન પ્રશાસનને માન્યતા આપવી જોઈએ કારણ કે તે તમામ જરૂરી શરતો પૂરી કરે છે.” ખાસ કરીને તેણે ઇસ્લામિક દેશોને આગળ આવવા અને તાલિબાન સરકારને માન્યતા આપવા અપીલ કરી છે.

મીડિયા સાથે વાત કરતા અખુંદે કહ્યું “હું તમામ સરકારોને ખાસ કરીને ઈસ્લામિક દેશોને કહેવા માગુ છું કે તેઓ તાલિબાન પ્રશાસનને માન્યતા આપવાનું શરૂ કરે.” સપ્ટેમ્બરમાં, તાલિબાને મુલ્લા હસન અખુંદને દેશના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. જોકે, ત્યારપછી ચીન, રશિયા, અમેરિકા, ફ્રાન્સ, ભારત અને જર્મની સહિત કોઈપણ દેશે તાલિબાનના વહીવટને માન્યતા આપી નથી. આ મામલે પાકિસ્તાન તરફથી ઘણી વખત માંગ કરવામાં આવી છે કે તાલિબાનને મંજૂરી આપવામાં આવે. પાકિસ્તાન કહેતું રહ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ સર્જાઈ શકે છે.

તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. વાસ્તવમાં, યુએસની આગેવાની હેઠળના દળોએ દેશ છોડવા માટે 30 ઓગસ્ટની સમયમર્યાદા નક્કી કરી હતી. તે પહેલાં પણ તાલિબાને દેશના તમામ પ્રાંતોમાં હુમલા તેજ કર્યા હતા અને સત્તા કબજે કરી હતી, પરંતુ તે પછી હજુ સુધી કોઈ દેશે તેને માન્યતા આપી નથી. આટલું જ નહીં અમેરિકાએ અફઘાનિસ્તાનની બેન્કોમાં જમા લાખો ડોલરની મૂડી પણ જપ્ત કરી લીધી છે. તાલિબાને ઘણી વખત આ રકમ છોડવાની માંગ કરી છે. તાલિબાન કહેતું આવ્યું છે કે જો આ રકમ બહાર પાડવામાં નહીં આવે તો દેશનો વિકાસ થઈ શકશે નહીં.

international news afghanistan taliban