ગ્રીનલૅન્ડ અને કૅનેડા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનો હવે નવો દાવો- ધ મૂન ઇઝ અવર્સ

08 September, 2026 10:59 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

ટ્રુથ સોશ્યલ પ્લૅટફૉર્મ પર અમેરિકન ધ્વજ સાથે ચંદ્રની તસવીર શૅર કરીને એને પોતાનો ગણાવ્યો અને સ્પેસ ફોર્સના નવા યુનિફૉર્મના ફોટો પણ મૂક્યા

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અવારનવાર પારકા પ્રદેશો પર પોતાનો દાવો કરવા માટે જાણીતા છે. ગ્રીનલૅન્ડ, પનામા કનૅલ, હોર્મુઝની ખાડી અને કૅનેડા પર દાવા બાદ હવે ડોનલ્ડ ટ્રમ્પે પૃથ્વીની બહાર અવકાશમાં પણ દાવો ઠોક્યો હતો. ટ્રમ્પે પોતાના પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર અમેરિકન ધ્વજ સાથે ચંદ્રની એક તસવીર શૅર કરી હતી જેના પર લખ્યું હતું કે ‘ધ મૂન ઇઝ અવર્સ.’
આ ઉપરાંત ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકી સ્પેસ ફોર્સ માટે સૂચિત નવા ગ્રે રંગના યુનિફૉર્મની તસવીરો પણ શૅર કરી હતી. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૯માં પોતાના પહેલા કાર્યકાળ દરમ્યાન જ તેમણે સ્પેસ ફોર્સની રચના કરી હતી. ત્યાર બાદ ડિસેમ્બર ૨૦૨૫માં તેમણે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુજબ વર્ષ ૨૦૨૮ સુધીમાં ચંદ્ર પર માનવમિશન મોકલવાની અને ૨૦૩૦ સુધીમાં ત્યાં કાયમી બેઝ બનાવવાની યોજના છે. ચંદ્ર પર ન્યુક્લિયર રીઅૅક્ટર લગાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

ડોનલ્ડ ટ્રમ્પની આ મહત્ત્વાકાંક્ષી યોજના તેમની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનો જ એક ભાગ છે. અવકાશમાં સંસાધનોના ઉપયોગ બાબતે અમેરિકા અને ચીન વચ્ચે સીધી સ્પર્ધા ચાલી રહી છે. પોતાના આ પગલાને યોગ્ય ઠેરવતાં ડોનલ્ડ ટ્રમ્પ હંમેશાં કહે છે કે જો અમે આ કામ નહીં કરીએ તો ચીન ચોક્કસપણે કરશે.

ડોનલ્ડ ટ્રમ્પનું વિચિત્ર વર્તન ઃ ૮ કલાકમાં ઈરાન અને કૅનેડાને ટ્રોલ કરતી આશરે ૪૦ પોસ્ટ શૅર કરી

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર ૬ સપ્ટેમ્બરે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (Al)થી તૈયાર કરાયેલા ફોટોગ્રાફ પોસ્ટ કરવાનો અસામાન્ય દોર શરૂ કર્યો હતો અને ૮ કલાકમાં ઈરાન અને કૅનેડાને ટ્રોલ કરતી ૪૦થી વધુ પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં ટ્રમ્પે કૅનેડિયન વડા પ્રધાન માર્ક કાર્નીને હૉકીસ્ટિકથી ફટકારતા હોય અેવા ફોટોગ્રાફ, તેમના ટીકાકાર રૉબર્ટ ડી. નીરો અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત અન્ય લોકોને ટ્રોલ કર્યા હતા. ૮૦ વર્ષના ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ચંદ્ર એક અમેરિકન પ્રદેશ છે.

international news world news donald trump united states of america