એલિયન્સ વાસ્તવિક છે એમ કહીને બરાક ઓબામાએ ગુપ્ત માહિતી જાહેર કરી, મોટી ભૂલ કરી : ડોનલ્ડ ટ્રમ્પ

21 February, 2026 08:21 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એલિયન્સ અને UFO વિશેની ફાઇલો જાહેર કરવા માટે ડોનલ્ડ ટ્રમ્પનો આદેશ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ‘એલિયન્સ વાસ્તવિક છે’ એવું જણાવતાં આ મુદ્દે વર્તમાન પ્રેસિડન્ટને તેમની કમેન્ટ વિશે પૂછવામાં આવતાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે ગુપ્ત માહિતી જાહેર કરી હતી, ઓબામાએ એવું ન કરવું જોઈએ, તેમણે મોટી ભૂલ કરી છે. પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે એ વાતની પુષ્ટિ કરી નહોતી કે એલિયન્સ વાસ્તવિક છે કે નહીં.

શું કહ્યું હતું ઓબામાએ?

એક ઇન્ટરવ્યુમાં બરાક ઓબામાને પૂછવામાં આવ્યું હતું કે શું એલિયન્સ વાસ્તવિક છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘તેઓ વાસ્તવિક છે, પરંતુ મેં તેમને જોયા નથી અને તેમને એરિયા 51માં રાખવામાં આવી રહ્યા નથી કોઈ ભૂગર્ભ સુવિધા નથી, સિવાય કે આટલું મોટું કાવતરું હોય અને તેમણે એ અમેરિકાના પ્રેસિડન્ટથી છુપાવ્યું હોય.’

ઓબામાની કમેન્ટમાં એવો કોઈ સંકેત નહોતો કે ભૂતપૂર્વ પ્રેસિડન્ટે ગુપ્ત માહિતી જાહેર કરી હતી. ઓબામાની ઑફિસે કમેન્ટ માટેની વિનંતીનો જવાબ આપ્યો નહોતો. ઓબામાએ રવિવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે ‘મેં મારા પ્રેસિડન્ટપદ દરમ્યાન કોઈ પુરાવા જોયા નથી કે બહારની દુનિયાનાં પ્રાણીઓએ અમારી સાથે સંપર્ક કર્યો છે. ખરેખર!’

આ પોસ્ટમાં ઓબામાએ એલિયન્સ અસ્તિત્વમાં છે એ અંગેની તેમની માન્યતા સમજાવતાં કહ્યું હતું કે ‘પૃથ્વીની બહાર જીવનની શક્યતાઓ વધારે છે, કારણ કે બ્રહ્માંડ ખૂબ વિશાળ છે. પૃથ્વી પર બહારની દુનિયાના જીવો આવે એ શક્યતા ઓછી છે, કારણ કે અંતર ઘણું વધારે છે.’

શું છે એરિયા 51?

એરિયા 51 એ નેવાડામાં એક ક્લાસિફાઇડ ઍરફોર્સ સુવિધા છે જ્યાં એવું અનુમાન લગાવવામાં આવે છે કે એલિયન્સ અને ક્રૅશ થયેલી સ્પેસશિપ ત્યાં રાખવામાં આવે છે. ૨૦૧૩માં પ્રકાશિત સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA) આર્કાઇવ્સે જણાવ્યું હતું કે એ ટૉપ સીક્રેટ જાસૂસી વિમાનો માટે એક પરીક્ષણ-સ્થળ હતું.

એલિયન્સ અને UFO વિશેની ફાઇલો જાહેર કરવા માટે ડોનલ્ડ ટ્રમ્પનો આદેશ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એલિયન્સ અને અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ્સ (UFO) પરની ફાઇલો જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે તેઓ યુદ્ધપ્રધાન પીટ હેગસેથ અને અન્ય અમેરિકન એજન્સીઓને એલિયન્સ, UFO અને અન્ય ઘટનાઓ સાથે સંબંધિત સરકારી ફાઇલોને ઓળખવાની અને જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપશે.

આ સંદર્ભમાં ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ વિષયમાં લોકોએ જબરદસ્ત રસ બતાવ્યો છે એને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું યુદ્ધપ્રધાન અને અન્ય સંબંધિત વિભાગો અને એજન્સીઓને એલિયન્સ, બહારની દુનિયાના જીવન, અનઆઇડેન્ટિફાઇડ એરિયલ ફિનૉમિના (UAP), UFO અને આ અત્યંત જટિલ પરંતુ અત્યંત રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ બાબતો સાથે જોડાયેલી કોઈ પણ અને અન્ય બધી માહિતીને ઓળખવા અને જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપીશ. ભગવાન અમેરિકાને આશીર્વાદ આપે!’

united states of america barack obama donald trump international news world news