✕

યમનની રાજધાની સના નજીક ઍરસ્ટ્રાઇક; ૨૭ જણનાં મોત, ૩૬ ઘાયલ

09 November, 2026 03:04 PM IST  |  yemen | Gujarati Mid-day Correspondent

યમનની રાજધાની સના પાસે આવેલા અલ-શરિયા ગામમાં શનિવારે થયેલી ઍરસ્ટ્રાઇકમાં ૨૭ જણનાં મોત થયાં હતાં

પ્રતીકાત્મક તસવીર

યમનની રાજધાની સના પાસે આવેલા અલ-શરિયા ગામમાં શનિવારે થયેલી ઍરસ્ટ્રાઇકમાં ૨૭ જણનાં મોત થયાં હતાં અને ૩૬ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો સામેલ છે. હુતી સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અનીસ અલ-અસબાહીએ જણાવ્યું હતું કે બચાવકામગીરી ચાલી રહી હોવાથી મરણાંક વધવાની શક્યતા છે. તેમણે આ હુમલા માટે સાઉદી અરેબિયા પર આરોપ લગાવ્યો હતો.
હુતી લશ્કરના પ્રવક્તા યાહ્યા સારીએ દાવો કર્યો હતો કે શુક્રવારે દક્ષિણ-પશ્ચિમ યમનના માર્કેટમાં થયેલા હુમલા અને ગામડાં પરની ઍરસ્ટ્રાઇકના જવાબમાં તેમણે સાઉદી અરેબિયા પર વળતો હુમલો કર્યો હતો. જોકે આ દાવાઓની પુષ્ટિ હજી સુધી થઈ શકી નથી. સાઉદી અરેબિયાના માહિતી મંત્રાલયે પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
હુતી નિયંત્રિત અલ-મસીરાહ ટીવીના ફુટેજમાં હૉસ્પિટલમાં લોહીલુહાણ બાળકોના હચમચાવી નાખનારાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. સનાથી ૧૫ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં ઍરસ્ટ્રાઇક બાદ બચાવકામગીરી કરી રહેલા લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪થી શરૂ થયેલા આ યુદ્ધમાં યુનાઇટેડ નેશન્સ (UN)ના આંકડા મુજબ ૧.૫ લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. ૨૦૨૨માં થયેલા યુદ્ધવિરામ બાદ હવે ફરીથી હુતી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિત દળો વચ્ચે હિંસા ફાટી નીકળી છે, જેના કારણે માનવીય સંકટ વધુ ઘેરું બન્યું છે.

ઈરાનની સ્પષ્ટતા: દુબઈ ખાલી કરવાની કોઈ ચેતવણી નથી આપી : માત્ર પોર્ટ અને શિપિંગ હબથી દૂર રહેવાની અલર્ટ જાહેર કરવામાં આવી છે

ઈરાને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈ શહેરને ખાલી કરવા માટે જણાવ્યું હોવાનું ઈરાન આર્મીનું એક ટ્વીટ વાઇરલ થયું હતું. જોકે ઈરાન દ્વારા કોઈ સત્તાવાર આદેશ કે ઍડ્વાઇઝરી જાહેર નથી થઈ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ અંગે ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે સ્પષ્ટતા થઈ હતી કે ઈરાન અથવા એની સાથે જોડાયેલાં સંગઠનો દ્વારા અપાયેલી ચેતવણી માત્ર દુબઈના  વિસ્તારો પૂરતી જ સીમિત છે.
બીજી તરફ અમેરિકાના દૂતાવાસે UAEમાં રહેતા પોતાના નાગરિકો માટે સુરક્ષા અલર્ટ જાહેર કરી હતી. જેમાં હુતી હુમલાના સંભવિત ખતરા અને ઍરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ થવા કે ઍરસ્પેસ બંધ થવા વિશે સાવચેત રહેવા જણાવાયું હતું.
આ અફવાઓ વચ્ચે UAE પ્રશાસને પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સમગ્ર દુબઈ શહેરમાં કોઈ જ નિકાસ કે ઇવૅક્યુએશન લાગુ કરવામાં આવ્યું નથી. સામાન્ય નાગરિકો માટે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં અને સામાન્ય છે, માત્ર સુરક્ષાનાં કારણોસર પોર્ટ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

international news world news yemen iran dubai