28 October, 2025 12:49 PM IST | Albania | Gujarati Mid-day Correspondent
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રોબો ડિએલા
ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે અલ્બેનિયાના વડા પ્રધાન અદી રામાએ હિસ્ટોરિક પગલું લઈને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રોબો ડિએલાને પ્રધાનનો દરજ્જો આપ્યો હતો, હવે એનું કામ સરળ થાય એવા ૮૩ બીજા રોબો તૈયાર કરવામાં આવશે જે સરકાર અને સંસદની કાર્યવાહીમાં મહત્ત્વનો ભાગ ભજવશે
થોડુંક નાટકીય લાગે એ રીતે અલ્બેનિયાના વડા પ્રધાન અદી રામાએ થોડા મહિના પહેલાં તેમના પ્રધાનમંડળમાં વિશ્વની પહેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ મિનિસ્ટર ડિએલાની નિયુક્તિ કરી હતી. સરકારી કામકાજમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ઈ-અલ્બેનિયા પોર્ટલ થકી ડિએલા પ્રધાનની કામગીરી કરે છે. આ પ્રયોગ ઘણા અંશે સફળ થયો હોવાથી અદી રામા તેમની પાર્લમેન્ટમાં AIના ઉપયોગને એક્સપાન્ડ કરવા માગતા હોવાથી તાજેતરમાં તેમણે ફરીથી નાટકીય જાહેરાત કરી હતી કે હવે તેમની સંસદની પહેલી AI મિનિસ્ટર પ્રેગ્નન્ટ છે અને ૮૩ બાળકોને જન્મ આપવાની છે.
આવું કહેવા પાછળ અલ્બેનિયા સરકારનો આશય એ છે કે હવે ડિએલા જેને નિયંત્રિત કરી શકે એવા ૮૩ રોબો તૈયાર કરવામાં આવશે જે શાસક પક્ષના તમામ ૮૩ સંસદસભ્યોના અસિસ્ટન્ટ તરીકે કામ કરશે. અલ્બેનિયાના વડા પ્રધાનનું કહેવું છે કે ‘અમે ડિએલાને પ્રધાન બનાવીને એક મોટું જોખમ ઉઠાવેલું અને એમાં સફળ રહ્યા. હવે એનાં ૮૩ બચ્ચાં સંસદમાં થનારી તમામ ઘટનાઓ રેકૉર્ડ કરશે. ડિએલાનો પ્રત્યેક રોબો અમારા પક્ષના એક-એક સંસદસભ્યને અસિસ્ટ કરશે. એ સંસદસભ્યોને તેમની સુવિધા મુજબ સલાહ પણ આપશે. તેઓ તમામ સંસદનાં સેશન્સ અટેન્ડ કરશે. ધારો કે કોઈ સંસદસભ્ય સેશનમાં હાજર ન રહી શકે તો એ રોબો પાસેથી તમામ કાર્યવાહી જાણી શકશે. આ તમામ રોબો બચ્ચાંઓને તેમની મા ડિએલા વિશે અને ડિએલાને આ તમામ બચ્ચાંઓ વિશેની એક-એક વાતની જાણકારી હશે.’