03 July, 2026 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુધવારે તેહરાનમાં ઈરાનના વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈનાં પત્ની અને દિવંગત સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનાં પુત્રવધૂ ઝહરા હદાદ આદેલની અંતિમયાત્રા નીકળી હતી. ઉલ્લેખનીય છે કે ઝહરા હદાદ આદેલ ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હવાઈ હુમલામાં તેમના સસરા અલી ખામેનેઈની સાથે માર્યાં ગયાં હતાં.
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનેઈના અવસાનના ૪ મહિના બાદ આખરે તેમના અંતિમ સંસ્કારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત લશ્કરી હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. જોકે બન્ને પક્ષો વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધ, ત્યાર બાદ થયેલા યુદ્ધવિરામ અને અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ ખાડી તેમ જ પરમાણુ પ્રતિબંધો અંગે ચાલી રહેલી અત્યંત જટિલ અને નાજુક વાટાઘાટોને કારણે તેમની અંતિમવિધિ અત્યાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે વાર્તાલાપ દરમ્યાન તનાવ થોડો ઓછો થતાં આ મોટો નિર્ણય લેવાયો છે જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ સમારોહ કોઈ પણ અવરોધ વિના સંપન્ન કરી શકાય.
ઐતિહાસિક સ્કેલ અને સમયગાળો : ઇસ્લામિક રિપબ્લિકના ઇતિહાસનો આ સૌથી મોટો રાજકીય અંતિમ સંસ્કાર સમારોહ હશે જે શનિવારથી શરૂ થઈને સતત ૬ દિવસ સુધી ઈરાન અને ઇરાકનાં પાંચ પ્રમુખ શહેરોમાં ચાલશે.
શોકયાત્રાનો રૂટ : આ યાત્રા તેહરાનના મોસલ્લા પ્રાર્થના સંકુલથી શરૂ થઈને પવિત્ર શહેર કોમ, ઇરાકના શિયા સંપ્રદાયનાં પવિત્ર કેન્દ્રો નજીફ અને કરબલા થઈને ખામેનેઈના જન્મસ્થળ મશહદ ખાતે પહોંચશે, જ્યાં ૯ જુલાઈએ આખરી દફનવિધિ કરવામાં આવશે.
કરોડો લોકોની સંભવિત હાજરી : તેહરાનમાં યોજાનારી ૧૦ કિલોમીટર લાંબી મુખ્ય અંતિમ યાત્રામાં આશરે બે કરોડ લોકો અને મશહદમાં આઠથી ૧૦ લાખ લોકો ઊમટી પડશે એવી સંભાવના છે.
ચુસ્ત લશ્કરી સુરક્ષા : સમગ્ર આયોજન દરમિયાન ભીડના નિયંત્રણની અને કડક સુરક્ષાવ્યવસ્થાની મુખ્ય જવાબદારી ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ને સોંપવામાં આવી છે.
લૉજિસ્ટિક્સ અને આશ્રયસ્થાનોઐ: તેહરાનના તમામ મુખ્ય હાઇવેને કામચલાઉ પાર્કિંગ-લૉટમાં અને સ્થાનિક મસ્જિદો, સ્કૂલો તથા યુનિવર્સિટીઓને મુસાફરોનાં આશ્રયસ્થાનોમાં ફેરવી દેવાયાં છે.
મુસાફરી પર પ્રતિબંધો : આ ૬ દિવસ દરમ્યાન કટોકટીના ભાગરૂપે તમામ ફ્લાઇટ્સ રદ થવાની સંભાવના છે અને મુખ્ય શહેરોમાં પ્રવેશ પર કડક સરકારી નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.
પિતાના અંતિમ સંસ્કારમાં મોજતબા ખામેનેઈ નહીં જોડાય
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનેઈના શોક-સમારોહમાં તેમના પુત્ર મોજતબા ખામેનેઈ સાર્વજનિકરૂપે ભાગ લે એવી શક્યતા નહીંવત્ છે. ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ આયતોલ્લા હકીમ ઇલાહીએ જણાવ્યું હતું કે ઇઝરાયલ સાથે ચાલી રહેલા ભારે તનાવ વચ્ચે ઈરાન પ્રશાસન મોજતબાની સુરક્ષાની ગૅરન્ટી આપી શકે એમ નથી. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી તેહરાન રવાના થતાં પહેલાં ઇલાહીએ ખુલાસો કર્યો કે આ નિર્ણય સંપૂર્ણપણે સુરક્ષા-ચિંતાઓને કારણે લેવામાં આવ્યો છે.
ઇલાહીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘હું ગયા અઠવાડિયે ઈરાનમાં હતો અને મોજતબાના નજીકના મિત્રોને મળ્યો હતો. મોજતબા પોતે બહાર આવીને લોકોને મળવા માગે છે, પરંતુ સુરક્ષા-અધિકારીઓએ એને અત્યંત જોખમી ગણાવીને બહાર આવવાની મંજૂરી આપી નથી.’