14 October, 2025 09:50 AM IST | Hamas | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલની સંસદમાં ગઈ કાલે યુદ્ધવિરામની ખુશીમાં ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એકમેકની સરાહના કરી હતી, બંધકોની મુક્તિની પળને વિડિયો દ્વારા તેલ અવિવના બંધક ચોક પર જોઈને ભાવુક થઈ ગયેલા ઇઝરાયલવાસીઓ.
આખરે જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી એ ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામના પહેલા તબક્કાનું અમલીકરણ થઈ ગયું. ગઈ કાલે બપોરે હમાસે પહેલાં ૭ અને પછી ૧૩ એમ બે બૅચમાં બંધકોને છોડ્યા હતા. રેડ ક્રૉસ થકી હમાસે બંધકોને ઇઝરાયલી સેનાને સોંપ્યા હતા. એ પછી હવે હમાસ માટે કોઈ જીવિત બંધકો રહ્યા નથી. ત્યાર બાદ ઇઝરાયલે પણ પૅલેસ્ટીનિયન કેદીઓને છોડી મૂક્યા હતા. ઇઝરાયલની રાજધાની તેલ અવિવમાં બંધક ચોક પર બંધકોને છોડવામાં આવી રહ્યા હોવાનો લાઇવ વિડિયો દેખાડવામાં આવ્યો હતો એ જોવા હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બંધકોને છૂટતા જોઈને લોકો ભાવુક થઈને રડી પડ્યા હતા.
એક તરફ બંધકોની આપ-લે થઈ એ પછી અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઇઝરાયલની સંસદમાં ભાષણ આપ્યું હતું. બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં સીઝફાયર સંભવ બની શક્યું એ માટે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પ માટે આવતા વર્ષના શાંતિ પુરસ્કારની ભલામણ કરી દીધી. તેમણે કહ્યું હતું કે જ્યારે અનેક દેશોએ ઇઝરાયલનો સાથ છોડી દીધો હતો ત્યારે ટ્રમ્પે સાથ આપ્યો હતો. ઇઝરાયલી સંસદે ડોનલ્ડ ટ્રમ્પને તાળીઓના ગડગડાટથી સન્માન આપ્યું હતું. ઇઝરાયલની સંસદને સંબોધતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘આ યુદ્ધનો જ અંત નથી, આતંકના એક યુગનો પણ અંત છે. આ મિડલ ઈસ્ટ માટે એક નવી શરૂઆત છે. હવે બંદૂકો શાંત છે અને આશા રાખું છું કે આગળ પણ આવી જ શાંતિ જળવાશે.’
ગઈ કાલે ગાઝાના બંધકો મુક્ત થયા ત્યારે એ બસનું ભવ્ય સ્વાગત થયું હતું અને સ્વજનોને ભેટીને ખુશીથી રડી પડ્યા હતા.
બે જોડિયા ભાઈઓ ૭૩૮ દિવસે મળ્યા
ગલી અને જિવ બરમૅન જોડિયા ભાઈઓ છે. ૨૦૨૩ની ૭ ઑક્ટોબરે તેમને હમાસે બંધક બનાવી લીધા હતા. બન્નેને ગાઝાની અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. ગઈ કાલે બન્ને ભાઈઓ બે વર્ષ બાદ મુક્ત થયા ત્યારે મળ્યા હતા.
નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની સરાહના કરી
ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ બાદ બે વર્ષથી બંધક રહેલા તમામ લોકોને મુક્ત કરવામાં આવ્યા એની સરાહના કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘બંધકોની આઝાદી તેમના પરિવારોના સાહસ, રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાંતિ-પ્રયાસો અને વડા પ્રધાન નેતન્યાહુના સંકલ્પનું પ્રતીક છે. આ ક્ષેત્રમાં શાંતિ લાવવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના અથાગ પ્રયાસોની અમે સરાહના કરીએ છીએ.’
સીઝફાયર પ્લાન પર ટ્રમ્પે સાઇન કરી
ઇઝરાયલની સંસદમાં ઐતિહાસિક ભાષણ આપીને ટ્રમ્પ ઇજિપ્ત જવા રવાના થયા હતા. ઇજિપ્તના શર્મ અલ શેખ શહેરમાં યોજાયેલા વિશાળ સંમેલનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે શાંતિકરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પ અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીએ સાથે મળીને આ સંમેલનનું નેતૃત્વ કર્યું હતું. એમાં કતર, જૉર્ડન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા સહિત ૨૦થી વધુ દેશોના નેતાઓ હાજર રહ્યા હતા; પરંતુ ઇઝરાયલ કે હમાસના પ્રતિનિધિઓને બોલાવવામાં નહોતા આવ્યા.