02 October, 2026 12:40 PM IST | America | Gujarati Mid-day Correspondent
ક્રિસ્ટા પાઇક
અમેરિકાના ટેનેસીમાં ૧૯૯૫માં કૉલિન સ્લેમરની હત્યાના કેસમાં મોતની સજા પામેલી ક્રિસ્ટા પાઇકનું ૩૦ સપ્ટેમ્બરે ઝેરી ઇન્જેક્શનના બે ડોઝ આપ્યા બાદ પણ મોત ન થતાં તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાથી મોતની સજામાંથી કેદી બચી જાય અને ઝેરી ઇન્જેક્શન કામ ન કરે ત્યારે શું થાય એવો કાનૂની પ્રશ્ન સર્જાયો છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ નૅશવિલની જેલમાં ક્રિસ્ટા પાઇકને પેન્ટોબાર્બિટલનાં બે ઇન્જેક્શન અપાયાં હતાં. જોકે એક કલાક બાદ પણ તે બેભાન થઈ નહોતી અને તેના ધબકારા ચાલુ રહ્યા હતા. ચેમ્બરના પડદા વારંવાર બંધ કરાયા હતા અને ક્રિસ્ટા પાઇકનાં મોટેથી નસકોરાં બોલવાનો તથા શ્વાસ લેવાનો અવાજ સંભળાતો હતો. વકીલોએ ક્રિસ્ટા પાઇકની નસો ફાટી ગઈ હોવાનો અને ખરાબ દવાનો આરોપ લગાવીને સજા રોકવાની અપીલ કરી હતી.
અમેરિકાના બંધારણના આઠમા સુધારા હેઠળ ક્રૂર સજા પર પ્રતિબંધ હોવાથી આવી સ્થિતિમાં કોર્ટ પ્રોટોકૉલની તપાસ કરે છે, પરંતુ પ્રથમ પ્રયાસ નિષ્ફળ જાય તો બીજી વખત સજા આપવા પર કોઈ કાનૂની રોક નથી. ડેથ-વૉરન્ટની મુદત મધ્યરાત્રિએ પૂરી થતી હોવાથી ટેનેસી પ્રશાસને હવે સજાની નવી તારીખ માટે ફરીથી કાનૂની પ્રક્રિયા કરવી પડશે. ડેથ પેનલ્ટી ઇન્ફર્મેશન સેન્ટર મુજબ ૨૦૨૨માં ૨૦માંથી ૭ કેસમાં ઝેરી ઇન્જેક્શનમાં ગંભીર ખામી સર્જાઈ હતી.