15 March, 2026 09:47 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષને કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અનેક મોટા દેશોને અપીલ કરી છે કે તેઓ પોતાની નૌસેના અને વૉરશિપ મોકલીને હોર્મુઝમાં જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરે. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન આ મહત્ત્વપૂર્ણ રસ્તાને અવરોધવાની કોશિશ કરશે તો અમેરિકા એની તટરેખા પર વધુ તેજ હુમલો કરશે. વાઇટ હાઉસે આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગની સુરક્ષાની ગૅરન્ટી માટે ૨૦ અબજ ડૉલર સુધીની વીમારાશિની રજૂઆત કરવા વિશે વિચારણા કરી છે. ડોનલ્ડ ટ્રમ્પે તેમણે શરૂ કરેલા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું, ‘અનેક દેશો આ સંકટથી પ્રભાવિત છે અને અમેરિકા સાથે મળીને આ સમુદ્ર માર્ગને ખુhલ્લો રાખવા માટે પોતાના વૉરશિપ મોકલવાની તૈયારી કરી રહ્યા છે. આ રસ્તો ખૂબ મહત્ત્વનો છે કેમ કે મોટી માત્રામાં તેલ અને અન્ય વ્યાપારિક સામાન દુનિયાભરમાં પહોંચે છે. અમેરિકાએ પહેલાંથી જ ઈરાનની સૈન્યક્ષમતા ખતમ કરી નાખી છે એમ છતાં ઈરાન નાના-મોટા હુમલા કરી શકે છે. ચીન, ફ્રાન્સ, જપાન, સાઉથ કોરિયા અને બ્રિટન જેવા દેશોએ પણ આ વિસ્તારમાં પોતાની વૉરશિપ મોકલવી જોઈએ, કેમ કે તેઓ પણ આ માર્ગથી થતા વેપાર પર નિર્ભર છે.’
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની તૈયારી બતાવી, પણ આર્થિક વ્યવહારો ચીની યુઆનમાં થતા હોય તો જ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે દુનિયાભરના દેશો પાસેથી દબાણ અનુભવી રહેલા ઈરાને પણ ચતુરાઈભરી ચાલ વાપરી છે. ઈરાન પણ દુનિયાભરના વેપારને અટકાવવાની પોતાની કોઈ મંશા નથી એ વાતનો પુરાવો આપવા માટે એક નવી ઑફર આપવાનું વિચારી રહ્યું છે. ઈરાની
ન્યુઝ-એજન્સીઓના કહેવા મુજબ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ કેટલીક શરતો સાથે ખોલવા તૈયાર છે. એમાંની એક મહત્ત્વની શરત છે અહીંથી પસાર થતા તેલ ટૅન્કરોનું પેમેન્ટ ચીની કરન્સી યુઆનમાં કરવામાં આવે. અત્યાર સુધી દુનિયાના મોટા ભાગના ઑઇલના સોદા અમેરિકન ડૉલરમાં જ થાય છે. ઈરાનની ડિમાન્ડ છે કે જે દેશો ઇચ્છતા હોય કે ખાડી દેશોના યુદ્ધની અસર તેમના ઊર્જાના પુરવઠા પર ન પડે તો તેઓ વૈશ્વિક બજારના વ્યવહાર ચીની કરન્સીમાં કરી શકે છે.
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગજીએ અમેરિકા પર રશિયન ક્રૂડ તેલ પર બેવડાં ધોરણોનો આરોપ લગાવતાં કહ્યું હતું કે ‘વૉશિંગ્ટન એક સમયે રશિયન ક્રૂડ તેલ નહીં ખરીદવા માટે ભારત સહિત દુનિયાના દેશો પર દબાણ લાવતું હતું, પણ હવે એ દુનિયાભરના દેશોને રશિયન ક્રૂડ ખરીદવા માટે આગ્રહ કરી રહ્યું છે.’ અરાગજીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘અમેરિકાએ રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવા માટે ભારતને ધમકાવવામાં મહિનાઓ ગાળ્યા હતા. ઈરાન સાથેનાં માત્ર બે અઠવાડિયાંના યુદ્ધ પછી વાઇટ હાઉસ હવે ભારત સહિત વિશ્વને રશિયન ક્રૂડ ખરીદવા માટે વિનંતી કરી રહ્યું છે.’ અરાગજીએ યુરોપિયન સરકારો પર રશિયા સામે અમેરિકન સમર્થન મેળવવાની આશામાં ઈરાન વિરુદ્ધ ગેરકાયદે યુદ્ધને સમર્થન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ‘યુરોપને લાગ્યું કે ઈરાન વિરુદ્ધ ગેરકાયદે યુદ્ધને સમર્થન આપવાથી રશિયા વિરુદ્ધ અમેરિકાનું સમર્થન મળશે. આ દયનીય છે.’