મિશન ઇમ્પૉસિબલ મેડ પૉસિબલ : અમેરિકાએ ઈરાનના દુર્ગમ પહાડોમાં ફસાયેલા પાઇલટને કઢાવવા હાથ ધર્યું દિલધડક ઑપરેશન

06 April, 2026 10:17 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઈરાને તોડી પાડેલા ફાઇટર જેટના પાઇલટને ઈરાનની નજરથી બચાવીને રેસ્ક્યુ કરવા માટે અમેરિકાએ ચલાવ્યું ડેરિંગ-ઑપરેશન : ટ્રમ્પે ઇતિહાસનું સૌથી સાહસિક ઑપરેશન ગણાવ્યું

ઈરાનની રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝની ઑફિશ્યલ વેબસાઇટ પર અમેરિકાના નાશ પામેલા ઍરક્રાફ્ટ્સની કાટમાળની તસવીરો શૅર કરી હતી.

ઈરાને ગયા શુક્રવારે અમેરિકન ઍરફોર્સના ફાઇટર જેટ F-15E  સ્ટ્રાઇક ઈગલને તોડી પાડ્યું હતું અને એનો પાઇલટ ઇજેક્ટ થયા બાદ ઈરાનની સરહદમાં ગુમ થયો હતો. અમેરિકાએ પાઇલટને તો તરત બચાવી લીધો હતો, પરંતુ એની સાથેના સ્પેશ્યલ ફોર્સના ઍરમૅન અને વેપન સિસ્ટમ ઑફિસરને શનિવારે રાતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ૩૬ કલાકની જહેમતે ફાઇટર જેટના ઍરમૅનેને એક ડેરિંગ-ઑપરેશનમાં રેસ્ક્યુ કરી લીધો હતો અને આ મુદ્દે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આપણે તેને બચાવી લીધો. અમેરિકાએ એના ઇતિહાસમાં સૌથી મોટું ડેરિંગ સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું અને તેને બચાવી લીધો હતો. આ ફાઇટર જેટમાં પાઇલટ અને વેપન-સિસ્ટમ ઑફિસર હતા જેમાંથી એકને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યો હતો. એક જણ મિસિંગ હતો.

ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ બહાદુર વૉરિયર દુશ્મનની સીમામાં પહાડોના દુર્ગમ વિસ્તારમાં ગુમ થયો હતો. જોકે તે એકલો નહોતો. તેના સાથીઓ તેની સાથે ચોવીસે કલાક સંપર્કમાં હતા અને તેને બચાવી લેવા માટે ઑપરેશન હાથ ધર્યું હતું. મારા આદેશોને પગલે અમેરિકન સેનાએ એક ડઝન કરતાં પણ વધારે ઍરક્રાફ્ટ દુનિયાનાં સૌથી ખતરનાક શસ્ત્રો સાથે ઈરાન રવાના કર્યાં હતાં અને તેને બચાવી લીધો હતો. તેને ઈજાઓ થઈ છે પણ તે બરાબર છે. અમેરિકાના ઇતિહાસમાં દુશ્મનની સીમામાંથી બે પાઇલટને પહેલી વાર આટલા મોટા ઑપરેશનમાં બચાવી લેવામાં આવ્યા છે. અમે અમેરિકન ફાઇટર્સને એકલા નહીં છોડીએ. બન્ને પાઇલટને અમે બચાવી લીધા છે અને અમે એક પણ સૈનિક ગુમાવ્યો નથી. ઍર ડોમિનન્સ અને ઈરાનના આકાશમાં અમારું પ્રભુત્વ છે એ અમે સાબિત કરી દીધું છે. આજે દરેક અમેરિકન ગર્વની લાગણી અનુભવે છે. દુનિયામાં આપણી સૌથી પ્રોફેશનલ અને ઘાતક મિલિટરી છે એ સાબિત થયું છે.’

અમેરિકાએ પોતાનાં જ બે પ્લેનનો નાશ કર્યો, ઈરાનના હાથમાં જવા દેવાં નહોતાં

અમેરિકન પાઇલટની બચાવકામગીરી દરમ્યાન અમેરિકાએ પોતાનાં બે યુદ્ધ-વિમાનોનો નાશ કર્યો હતો. આ મુદ્દે એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે દુશ્મનની લાઇન પાછળ ગુપ્ત ઘૂસણખોરી અને પાઇલટને બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવાતાં બે MC-130J પરિવહન વિમાનો આ કામગીરીમાં સામેલ હતાં. આ વિમાન મિશન દરમ્યાન ફસાઈ ગયાં હતાં. આ વિમાનો ઈરાની સેનાના હાથમાં ન આવે એ માટે અમેરિકન દળોએ જ એનો નાશ કરી દીધો હતો. તેમનો દાવો હતો કે તેમની ટેક્નૉલૉજી દુશ્મનના હાથ ન લાગે એ માટે આ પગલું ભર્યું હતું. 

કેવી રીતે હાથ ધરવામાં આવ્યું રેસ્ક્યુ-ઑપરેશન?

આ ઑપરેશન બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું જેમાં અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA) અને સીલ ટીમે આ કામ પાર પાડ્યું હતું. પાઇલટને પકડવા માટે ઈરાને ૬૦,૦૦૦ ડૉલરનું ઇનામ જાહેર કર્યું હતું. ઈરાનના સેંકડો સૈનિકો અને હથિયારબંધ જવાનો છતાં તેઓ અમેરિકાના પાઇલટને શોધી કે પકડી શક્યા નહોતા અને અમેરિકાએ માત્ર તેને શોધી કાઢ્યો એટલું જ નહીં, તેને સલામત રીતે ત્યાંથી બચાવી લીધો હતો. ફાઇટર જેટમાંથી ઇજેક્ટ થયેલા મુખ્ય પાઇલટને અમેરિકાએ તાત્કાલિક બચાવી લીધો હતો. બીજો ઍરમૅન પહાડી વિસ્તારમાં પડ્યો હતો. તેની પાસે માત્ર એક પિસ્તોલ અને પોતાનું લોકેશન બતાવવા માટે બીકન તરીકે ઓળખાતું કમ્યુનિકેશન ઉપકરણ હતું. એનાથી તે લોકેશન આપતો રહ્યો હતો. તે સતત ચાલતો રહેતો હતો અને પહાડોમાં આવેલી કોતરોમાં છુપાઈને ઈરાનના સૈન્યથી પોતાને સુરક્ષિત રાખતો હતો. જેવા સીલ સૈનિકો આ પાઇલટ પાસે પહોંચ્યા ત્યારે તેમણે ગોળીબાર શરૂ કરી દીધો હતો અને સ્પેશ્યલ કમાન્ડો ટીમે તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

ઈરાનના સ્થાનિક લોકોએ અમેરિકાના પાઇલટને બચાવવામાં મદદ કરી હશે

અમેરિકાની સેના દ્વારા એક બહાદુરીભર્યા ઑપરેશનમાં બચાવવામાં આવેલા F-15E સ્ટ્રાઇક ઈગલના ક્રૂ મેમ્બરને ઈરાનના સ્થાનિક લોકોએ મદદ કરી હશે એવું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ પાઇલટ જે પર્વતીય પ્રદેશમાં છુપાઈ ગયો હતો એ વિસ્તારમાં ઈરાની શાસનને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

international news world news iran israel united states of america middle east crisis