06 July, 2026 11:01 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
વૉશિંગ્ટનમાં થયેલી આતશબાજી.
ચોથી જુલાઈએ સ્વતંત્રતાનાં ૨૫૦ વર્ષ પૂરાં થવા નિમિત્તે અમેરિકાના દરેક શહેરમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય કાર્યક્રમ રાજધાની વૉશિંગ્ટન ડી.સી.ના નૅશનલ મૉલમાં થયો હતો. ત્યાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. અહીં આતશબાજી માટે ૮.૫ લાખ રૉકેટ્સ છોડવામાં આવ્યાં હતાં અને એને કારણે લગભગ ૪૦ મિનિટ સુધી આકાશમાં રંગબેરંગી છોળો ઊડતી રહી હતી. દેશનાં તમામ ૫૦ રાજ્યોમાં પરેડ, ઍર-શો, કૉન્સર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.
૧૦૦૦થી વધુ પિક-અપ ટ્રકોએ મળીને બનાવ્યો અમેરિકાનો રાષ્ટ્રધ્વજ
શનિવારે અમેરિકાના નેવાડા રાજ્યમાં જ્યાં દૂર-દૂર સુધી રણ જ જોવા મળે છે ત્યાં ચોથી જુલાઈએ એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અહીં દેશભરમાંથી હજારોની સંખ્યામાં પિક-અપ ટ્રકો આવી હતી. ટ્રકોને ચોક્કસ શેડમાં રંગવામાં આવી હતી અને લાલ, સફેદ અને બ્લુ રંગોના આધારે એવી ગોઠવણી કરવામાં આવી હતી જેનાથી અમેરિકાનો રાષ્ટ્રધ્વજ રચાય. હેલિકૉપ્ટરમાંથી આ રાષ્ટ્રધ્વજનો વિડિયો લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે મહિનાઓથી પ્લાનિંગ થઈ રહ્યું હતું. હજારો ટ્રકો અને એ દરેકની યોગ્ય જગ્યા સુનિશ્ચિત કરીને એ મુજબ ટ્રકોને ઊભી રાખવાનું પ્લાનિંગ કરવા સેંકડો વૉલન્ટિયર્સ કામે લાગ્યા હતા.
અમેરિકાના પૅસિફિક મહાસાગરના ગુઆમ અને ઉત્તર મારિયા દ્વીપસમૂહમાં બાવી નામનો એક ચક્રવાત આકાર લઈ રહ્યો છે. એને કારણે અમેરિકાનાં અનેક રાજ્યોમાં ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. શનિ-રવિ દરમ્યાન જ્યાં ઉત્સવનો માહોલ હતો એ વૉશિંગ્ટન સહિત પાંચ રાજ્યોમાં વાવાઝોડાની આગાહીને કારણે સેલિબ્રેશનને ટૂંકાવીને લોકોને ઘરભેગા થવાની સૂચના આપવામાં આવી હતી.