બંગલાદેશમાં વધુ એક હિન્દુના ઘરને બાળી નાખવામાં આવ્યું- પાંચ દિવસમાં સાત ઘરોને આગ ચાંપી દેવામાં આવી

30 December, 2025 11:10 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

બંગલાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પર વ્યાપક હુમલાના ભાગરૂપે ચટ્ટોગ્રામમાં પાંચ દિવસમાં ૭ હિન્દુ પરિવારોનાં ઘરોને આગ ચાંપવામાં આવી છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

બંગલાદેશમાં ઇન્કિલાબ મંચના યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ હિન્દુ લઘુમતીઓ પર ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસા ચાલુ જ છે એમાં પિરોજપુરમાં એક હિન્દુના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. બંગલાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પર વ્યાપક હુમલાના ભાગરૂપે ચટ્ટોગ્રામમાં પાંચ દિવસમાં ૭ હિન્દુ પરિવારોનાં ઘરોને આગ ચાંપવામાં આવી છે.

૨૭ ડિસેમ્બરે પિરોજપુરના ડુમરીટોલા ગામમાં સાહા નિવાસસ્થાનમાં અજાણ્યા બદમાશોએ લઘુમતીઓ પર હુમલો કરીને ઘણી રૂમમાં આગ લગાવી દીધી હતી. શંકાસ્પદોએ એક રૂમમાં કપડું નાખીને આગ લગાવી દીધી હતી અને આગ ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.

આ ઘટના વિશે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર બંગલાદેશનાં લેખિકા તસ્લીમા નસરીને લખ્યું હતું કે ડુમરીટોલા ગામમાં હિન્દુદ્વેષી જેહાદીઓ દ્વારા સાહા પરિવારના ઘરના પાંચ ઓરડાઓ બાળી નાખવામાં આવ્યા હતા. વહેલી સવારે જ્યારે ઘરમાં બધા સૂતા હતા ત્યારે જેહાદીઓએ ઘરને આગ ચાંપી દીધી હતી. ચટ્ટોગ્રામના રાવઝાનમાં જેહાદીઓએ વહેલી સવારે હિન્દુ ઘરોમાં આગ લગાવી હતી. શું દેશના બાકીનાં બધાં હિન્દુ ઘરોને આ રીતે બાળી નાખવામાં આવશે? તેઓ હિન્દુઓને જીવતા સળગાવવા માગે છે એથી જ જ્યારે લોકો સૂતા હોય ત્યારે તેઓ આગ લગાડે છે. શું યુનુસ ફક્ત વાંસળી વગાડે છે?’

ગયા અઠવાડિયે ચટ્ટોગ્રામ નજીક એક હિન્દુના ઘરને અજાણ્યા હુમલાખોરોએ આગ લગાડ્યા બાદ આ ઘટના બની છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે વહેલી સવારે લાગેલી આગની ગરમીથી તેઓ જાગી ગયા હતા. શરૂઆતમાં દરવાજા બહારથી બંધ હોવાથી તેઓ અંદર ફસાઈ ગયા હતા. બન્ને પરિવારના આઠ સભ્યો ઍલ્યુમિનિયમ શીટ અને વાંસની વાડ કાપીને ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેમના ઘરનો સામાન બળી ગયો હતો અને તેમનાં પાળેલાં પ્રાણીઓ માર્યાં ગયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે દરોડા દરમ્યાન પાંચ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના આરોપીઓને શોધવાના પ્રયાસ ચાલુ છે.

બંગાળીમાં લખેલા ધમકીભર્યા સંદેશમાં હિન્દુઓ પર ઇસ્લામ અને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કૃત્યોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને જાહેર કરવામાં આવ્યું હતું કે જો કથિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તો બિનમુસ્લિમોનાં ઘરો, મિલકત અને વ્યવસાયોને બચાવવામાં નહીં આવે.

બંગલાદેશમાં કામ કરતા ભારતીયોની પરમિટ રદ કરવાની હાદીના સમર્થકોની માગણી : સરકારને ૨૪ દિવસનું અલ્ટિમેટમ

ઇન્કિલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર ઘેરાઈ ગઈ છે, કારણ કે હાદીના સમર્થકોએ સરકારને ૨૪ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. હાદીના સમર્થકોએ જણાવ્યું છે કે ૨૪ દિવસમાં હાદીની હત્યાનો ખટલો પૂરો કરવામાં આવે. સાથે ત્રણ શરતો મૂકવામાં આવી છે જેમાં બંગલાદેશમાં કામ કરી રહેલા ભારતીયોની પરમિટને રદ કરવાની માગણી કરવામાં આવી છે. આ માગણીઓના મુદ્દે યુનુસ સરકારે કોઈ પ્રતિક્ર‌િયા નથી આપી. ઢાકાના શાહબાગથી યુનુસ સરકારને અલ્ટીમેટમ આપતાં ઇન્કિલાબ મંચના સેક્રેટરી અબદુલ્લાહ અલ જબ્બારે જણાવ્યું હતું કે ‘હાદીના હત્યારા, માસ્ટરમાઇન્ડ, તેમના સહયોગીઓ, તેમને ભાગવામાં મદદ કરનારા લોકો અને તેમને શરણ આપનારા લોકો સહિત આખા સ્ક્વૉડની ટ્રાયલ ૨૪ દિવસમાં પૂરી થવી જોઈએ. ભારત નાસી ગયેલા હત્યારાઓને પાછા લાવવા જોઈએ અને જો ભારત તેમને આપવાની ના પાડે તો ભારત વિરુદ્ધ ઇન્ટરનૅશનલ કોર્ટમાં કેસ કરવામાં આવે.’ જોકે ભારતે પહેલાં જ જણાવી દીધું છે કે હાદીના હત્યારા ભારત નથી આવ્યા.

international news world news bangladesh Crime News murder case fire incident