20 September, 2024 10:08 AM IST | New York | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍન્ટિ-બાયોટિક દવાનું આડેધડ સેવન મોત પણ નોંતરી શકે છે. આડેધડ સેવન કરવાથી શરીરમાંના બૅક્ટેરિયા એવા જટિલ થઈ જાય છે કે ઍન્ટિ-બાયોટિક દવાની પણ અસર ઘટી જાય છે જેને ઍન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સ કહેવાય. મેડિકલ જર્નલ ધ લૅન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસ પ્રમાણે ઍન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સને કારણે ૨૦૫૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં ઍન્ટિ-બાયોટિક્સની પ્રત્યક્ષ અસરને કારણે ૩.૯૦ કરોડથી વધુ મૃત્યુ થશે અને પરોક્ષ અસરને કારણે ૧૬.૯૦ કરોડ લોકો મૃત્યુ પામશે. ઍન્ટિ-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR)ના સીધા પરિણામસ્વરૂપે ૧૯૯૦ અને ૨૦૨૧ વચ્ચે દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. આ દિશામાં અસરકારક ઉપાય કરવામાં નહીં આવે તો ૨૦૫૦ સુધીમાં દર વર્ષે મૃત્યુની સંખ્યા ૧૯.૧ લાખ થશે અને પરોક્ષ રીતે ૮૨.૨ લાખ સુધી પણ પહોંચી શકે છે. મૃત્યુદર અટકાવવો હોય તો તકેદારી વધારવી પડશે અને ઍન્ટિ-બાયોટિકના ઉપયોગ માટે કડક તબીબી પ્રોટોકૉલ લાગુ કરવા પડશે. આ કરીશું તો આગામી પચીસ વર્ષમાં ૯.૨૨ કરોડ મૃત્યુ અટકાવી શકીશું.