22 December, 2025 09:02 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
બંગલાદેશી હિન્દુઓને બચાવવા માટે ભારતે કંઈક કરવું જોઈએ એવી ડિમાન્ડ કરતી રૅલી ગઈ કાલે પશ્ચિમ બંગાળના નાદિયામાં હિન્દુવાદી સંગઠનોએ કાઢી હતી.
બંગલાદેશના મૈમનસિંહ જિલ્લાના ભાલુકામાં ઈશનિંદા બદલ જેનો જીવ લઈ લેવામાં આવ્યો એ દીપુ ચંદ્ર દાસે કોઈ ધાર્મિક ટિપ્પણી કરી જ નહોતી એવી વાત જાણવા મળી છે. દીપુ ચંદ્ર દાસના કેસની તપાસ-એજન્સીના અધિકારીઓનું કહેવું છે કે તેણે ઇસ્લામને કે કોઈ પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈ ટિપ્પણી કરી હોય એ સાબિત કરવા માટે અત્યાર સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે દીપુ દાસે ફેસબુક પર એવી કોઈ પોસ્ટ કરી નથી જેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે. આમ છતાં ટોળાએ પહેલાં દીપુને મારી નાખ્યો અને પછી તેના શરીરને ઝાડ પર લટકાવીને સળગાવી દીધું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૦ જણની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર દાસે પયગંબર મુહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હોવાની અફવા ફેલાઈ હતી અને એનાથી તે જે કપડા ફૅક્ટરીમાં કામ કરતો હતો એના કામદારોમાં રોષ ફેલાયો હતો. ફૅક્ટરીના ફ્લોર ઇન્ચાર્જ આલમગીર હુસેને જણાવ્યું હતું કે ‘મજૂરોએ માગણી કરી હતી કે દાસને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. ફૅક્ટરીની બહાર એક ટોળું એકઠું થયું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે દાસને તેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ તેને પકડીને માર માર્યો હતો.’
જોકે પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે જ્યારે શુક્રવારે રાત્રે ટોળાએ ફૅક્ટરીને ઘેરી લીધી અને પરિસ્થિતિ બેકાબૂ બની ત્યારે દાસને ફૅક્ટરીમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યો હતો જેથી તેઓ ફૅક્ટરીનું રક્ષણ કરી શકે.