બંગલાદેશને હચમચાવી દેનારા આ કાતિલ પર ૫૦ લાખ ટાકાનું ઇનામ

23 December, 2025 08:15 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

શેખ હસીનાની સરકારને ઊથલાવનારા શરીફ ઉસ્માન હાદીને શૂટ કરનારા ફૈસલ મસૂદ સામે લુકઆઉટ નોટિસ જાહેર

ફૈસલ કરીમ મસૂદ

બંગલાદેશમાં સ્ટુડન્ટ નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા પાછળ જેને જવાબદાર ગણવામાં આવે છે તેનું નામ ફૈસલ કરીમ મસૂદ છે અને તેના વિરોધમાં આખા બંગલાદેશમાં લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. તેને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. પોલીસે ફૈસલ મસૂદના પરિવારજનોને પકડી લીધા છે અને તેના પર ૫૦ લાખ ટાકાનું ઇનામ રાખ્યું છે. રવિવારે બંગલાદેશ પોલીસ મુખ્યાલયમાં આ મુદ્દે બેઠક યોજાઈ હતી. ફૈસલ કરીમ મસૂદનું લાસ્ટ મોબાઇલ ફોન લોકેશન શોધવામાં આવી રહ્યું છે. પોલીસ અને તપાસ-એજન્સીઓ પાસે પૂરતી માહિતી નથી.

શરીફ ઉસ્માન હાદીને ૧૨ ડિસેમ્બરે ગોળી મારવામાં આવી હતી અને ૧૮ ડિસેમ્બરે તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ ગોળીબારમાં ફૈસલનું નામ આવ્યું હતું. એવું કહેવાય છે કે હાદીની હત્યાના ઇરાદાથી તે હાદીના અભિયાનમાં સામેલ થયો હતો.

ફૈસલ પહેલાં અવામી લીગની સ્ટુડન્ટ વિન્ગનો નેતા હતો. શેખ હસીના ભારત જતાં રહેતાં અવામી લીગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તેણે ૨૦૧૩માં ઢાકાની એક યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી લીધી હતી અને પછી બીજી કૉલેજમાંથી માસ્ટર-ઇન-બિઝનેસ ઍડ્‍મિનિસ્ટ્રેશન (MBA) કર્યું હતું. ૨૦૨૪માં જ્યારે શેખ હસીનાના નેતૃત્વમાં તત્કાલીન સરકાર સ્ટુડન્ટ આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે એમાં ફૈસલે ભાગ લીધો હતો. 

international news world news bangladesh Crime News sheikh hasina