21 February, 2026 08:50 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
તારિક રહમાનની ફાઇલ તસવીર
બંગલાદેશમાં તારિક રહમાનના નેતૃત્વ હેઠળની બંગલાદેશ નૅશનલ પાર્ટી (BNP)ના ગઠબંધને સત્તામાં આવ્યા બાદ ભારત સાથે સંબંધો સુધારવાની શરૂઆત કરી છે અને ગઈ કાલે દિલ્હીમાં બંગલાદેશ હાઈ કમિશને ભારતની બધી વીઝા-સર્વિસો શરૂ કરી દીધી છે. એક વરિષ્ઠ ભારતીય કૉન્સ્યુલર અધિકારીએ કહ્યું હતું કે નવી દિલ્હી બંગલાદેશમાં પણ બધી વીઝા-સર્વિસો પુનઃ સ્થાપિત કરશે એવી જાહેરાતના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે.
બંગલાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે વીઝા-સર્વિસો સ્થગિત કર્યાના બે મહિના પછી એને ફરી શરૂ કરી છે. તારિક રહમાને કાર્યભાર સંભાળ્યાના માત્ર ૩ દિવસ પછી જ આ કાર્ય કર્યું છે જે ભારત સાથે સંબંધો સુધારવાનો સંકેત આપે છે. ભારતીયો માટે તમામ શ્રેણીઓની વીઝા- સર્વિસો પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. ડિસેમ્બરમાં બિઝનેસ અને વર્ક વીઝાને પ્રતિબંધના દાયરાની બહાર રાખવામાં આવ્યા હતા. હવે તબીબી અને પર્યટન સહિત તમામ શ્રેણીઓ પુનઃ સ્થાપિત કરવામાં આવી છે.