બંગલા દેશમાં દુર્ગાપૂજાના પંડાલમાં કુરાન મૂકનારની ઓળખ છતી થઈ

22 October, 2021 09:58 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

કોમિલાના સુપરિટેન્ડેન્ટ ઑફ પોલીસ ફારુક અહેમદે એક અખબારને જણાવ્યું હતું કે સુજાનગર વિસ્તારમાં રહેતો ઇકબાલ હુસૈન મુખ્ય આરોપી છે

પ્રતીકાત્મક તસવીર

બંગલા દેશમાં દુર્ગાપૂજા વખતે થયેલી કોમી હિંસાના મુખ્ય આરોપીની ઓળખ પોલીસે કરી લીધી છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં બંગલા દેશમાં કોમિલા અને અન્ય વિસ્તારોમાં દુર્ગાપૂજાના પંડાલો અને મંદિરોમાં કટ્ટરવાદીઓ દ્વારા હુમલા થયા હતા.

કોમિલાના સુપરિટેન્ડેન્ટ ઑફ પોલીસ ફારુક અહેમદે એક અખબારને જણાવ્યું હતું કે સુજાનગર વિસ્તારમાં રહેતો ઇકબાલ હુસૈન મુખ્ય આરોપી છે. ૩૫ વર્ષના આ શખસે દુર્ગાપૂજાના પંડાલમાં કુરાન મૂકીને હિંસા ભડકાવી હતી. સીસીટીવી કૅમેરાના ફુટેજમાં ઇકબાલ કુરાન લઈને દૂર્ગાપૂજાના એક પંડાલમાં પ્રવેશતો જોવા મળ્યો છે, જેને લીધે કટ્ટરપંથીઓના ટોળાઓએ પંડાલો અને મંદિરો પર હુમલા શરૂ કરી દીધા હતા. ૧૩ ઑક્ટોબરની આ ઘટનાને લીધે અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા, સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.  પોલીસે મુખ્ય આરોપી ઇકબાલ હુસૈનને ઓળખી લીધો છે, પણ હજી એની ધરપકડ થઈ શકી નથી.

international news bangladesh