24 February, 2026 11:52 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
તારિક રહમાન
બંગલાદેશમાં ચૂંટણી બાદ સત્તાપરિવર્તન પછી નવા વડા પ્રધાન તારિક રહમાને આર્મીમાં મોટા પાયે અધિકારીઓની ફેરબદલ કરી દીધી છે જેને કારણે સૈન્ય હચમચી ગયું છે. રવિવારે આર્મી હેડક્વૉર્ટરમાંથી આવેલા મોટા ફેરબદલો સૂચવે છે કે નવી સરકાર જૂની વ્યવસ્થાને બદલી નાખવાનો ઇરાદો ધરાવે છે. આ ફેરબદલ સેનામાં અનેક મુખ્ય હોદ્દાઓ પર થયા છે.
મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દરમ્યાન લશ્કરમાં કેટલાક અધિકારીઓનું પ્રભુત્વ હતું, પરંતુ હવે તેમનાં પત્તાં કાપી નાખવામાં આવ્યાં છે.
બ્રિગેડિયર જનરલ મોહમ્મદ હાફિઝુર રહમાન દિલ્હીમાં બંગલાદેશ હાઈ કમિશનમાં સંરક્ષણ સલાહકાર હતા અને બંગલાદેશની ગુપ્તચર એજન્સી ડિરેક્ટરેક્ટ જનરલ ઑફ ફોર્સિસ ઇન્ટેલિજન્સ (DGFI) સાથે જોડાયેલા હતા. હવે તેમને બંગલાદેશ પાછા બોલાવીને મેજર જનરલ તરીકે બઢતી આપવામાં આવી છે અને પંચાવનમા ઇન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઑફિસર ઇન કમાન્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે સરહદી વિસ્તારોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે આ ફેરફારો ભારત સાથેના સંબંધોને અસર કરી શકે છે. યુનુસના કાર્યકાળ દરમ્યાન બન્ને દેશો વચ્ચે તનાવ હતો, પરંતુ હવે તારિક રહમાનની સરકાર મિત્રતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. હાઈ કમિશનર પ્રણય વર્માએ તાજેતરમાં પણ જણાવ્યું હતું કે ભારત નવી સરકાર સાથે કામ કરવા તૈયાર છે.