અમેરિકામાં ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે રજૂ થયેલા SACRED ઍક્ટ બિલને BAPSએ આપ્યું સમર્થન

10 June, 2026 08:27 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

મંદિર, મસ્જિદ અને ચર્ચની આસપાસ ૧૦૦ ફુટનો બફર ઝોન બનાવવાની તેમ જ ભક્તોને ડરાવવા કે રોકવા એ ફેડરલ ગુનો ગણવા માટેની પણ બિલમાં જોગવાઈ

BAPS મંદિરની પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવેલા સેફગાર્ડિંગ ઍક્સેસ ટુ કૉન્ગ્રિગેશન્સ ઍન્ડ રિલિજિયસ એસ્ટૅબ્લિશમેન્ટ‍્સ ફ્રૉમ ડિસરપ્શન (SACRED) ઍક્ટ બિલને બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)એ સમર્થન આપ્યું છે. આ બિલ જો પસાર થશે તો ધાર્મિક સ્થાનો અને ભક્તોની સુરક્ષા વધુ મજબૂત બનશે. આ બિલમાં મંદિરો, મસ્જિદો અને ચર્ચ સહિતનાં ધાર્મિક સ્થાનોની આસપાસ ૧૦૦ ફુટનો બફર ઝોન બનાવવા તેમ જ ભક્તોને ડરાવવા કે રોકવા એ ફેડરલ ગુનો ગણવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.  

BAPSએ કહ્યું હતું કે ‘અમેરિકામાં તમામ ધર્મના લોકો સુરક્ષિત રીતે અને કોઈ પણ ડર વિના પોતાનાં ધાર્મિક સ્થળોએ જઈ શકે એ હેતુથી કૉન્ગ્રેસમેન ટૉમ સુઓઝી અને મૅક્સ મિલરે સંયુક્ત રીતે SACRED નામે બિલ રજૂ કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં હિન્દુ મંદિરો, ચર્ચ, ગુરુદ્વારા અને મસ્જિદો જેવાં ધાર્મિક સ્થળોની બહાર ભક્તોને ડરાવવા, ધમકાવવા અને તેમને હેરાન કરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ઘણા કિસ્સામાં ઉગ્ર પ્રદર્શનકારીઓ દ્વારા ભક્તોને પ્રાર્થના કરવા જતા રોકવામાં આવે છે અથવા તેમની સાથે શાબ્દિક દુર્વ્યવહાર કરવામાં આવે છે. આ પ્રકારની અપ્રિય ઘટનાઓને કડકાઈથી રોકવા અને ભક્તોના ધાર્મિક સ્વાતંત્ર્યનું રક્ષણ કરવા માટે આ ઐતિહાસિક બિલ લાવવામાં આવ્યું છે.’  

બિલમાં મહત્ત્વની જોગવાઈ  
આ બિલની મહત્ત્વની જોગવાઈ બફર ઝોનની છે. SACRED બિ લ અંતર્ગત કોઈ પણ ધાર્મિક સ્થળની આસપાસ ૧૦૦ ફુટના વિસ્તારને સુરક્ષ‌િત જાહેર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ ૧૦૦ ફુટની આસપાસ કોઈ ભક્તને ઇરાદાપૂર્વક ડરાવે, ધમકાવે કે શારીરિક રીતે તેમનો રસ્તો રોકે અથવા હેરાન કરવાના હેતુથી ૮ ફુટની નજીક આવે તો તેને ફેડરલ ગુનો ગણવાની અને એ મુજબ કડક સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 

ધાર્મિક સમુદાયો આવ્યા સમર્થનમાં  
અમેરિકામાં વસતા વિવિધ ધાર્મિક સમુદાયોએ આ બિલને આવકાર્યું છે. BAPS, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન અને યુનાઇટેડ સિખ્સ જેવી સંસ્થાઓએ સમર્થન આપ્યું છે. એ ઉપરાંત યહૂદી અને મુસ્લિમ સંગઠનો પણ આના સમર્થનમાં આગળ આવ્યાં છે. 

international news world news united states of america swaminarayan sampraday religious places