11 November, 2025 09:43 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC) દ્વારા અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ભાષણને એડિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયા બાદ વ્યાપક વિવાદ વચ્ચે રવિવારે BBCના બે ટોચના અધિકારીઓ ડિરેક્ટર જનરલ (DG) ટિમ ડેવી અને ન્યુઝ ડિવિઝનનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ડેબરા ટર્નેસે રાજીનામાં આપ્યાં છે.
વિવાદ ૨૦૨૧ની ૬ જાન્યુઆરીએ વૉશિંગ્ટનમાં કૅપિટલ હિલ રમખાણો પહેલાં ટ્રમ્પે આપેલા ભાષણ સાથે સંબંધિત છે. ટીકાકારોએ આરોપ લગાવ્યો હતો કે BBCએ એક ડૉક્યુમેન્ટરી માટે ટ્રમ્પના ભાષણને એવી રીતે એડિટ કર્યું હતું જેમાં ટ્રમ્પે સમર્થકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવા વિનંતી કરી હતી એ ભાગને જ દૂર કરી દીધો હતો. આના પગલે આ ફુટેજ ભ્રામક લાગતું હતું.
BBCએ ટ્રમ્પનું એડિટેડ ભાષણ પ્રસારિત કર્યું હતું, જે એવું દર્શાવતું હતું કે ટ્રમ્પે કૅપિટલ હિલના તોફાનીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમને કહ્યું હતું કે તેઓ ખૂબ ખરા દિલે લડશે. ટ્રમ્પે ખરેખર તેમના ભાષણમાં કહ્યું હતું કે તેઓ કૅપિટલ હિલ તરફ કૂચ કરશે અને આપણા બહાદુર સેનેટરો અને કૉન્ગ્રેસમેન અને મહિલાઓને પ્રોત્સાહિત કરશે. ટ્રમ્પના મોઢે એવી વાતો કહેવડાવવા માટે ફુટેજમાં કાપકૂપ કરવામાં આવી હતી જે તેમણે ક્યારેય કહી નહોતી.