બિલ ગેટ્સે આખરે સ્વીકારી ત્રણ મહિલાઓ સાથેનાં અફેર્સની વાત

25 June, 2026 09:26 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકાની હાઉસ ઓવરસાઇટ કમિટી સમક્ષ માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડરે આપી જુબાની; એપસ્ટીન સાથેના સંબંધોને પોતાની મોટી ભૂલ ગણાવી

બિલ ગેટ્સ

માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પોતાની અંગત જિંદગીને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમેરિકાની હાઉસ ઓવરસાઇટ કમિટી સમક્ષ આપેલી જુબાનીમાં બિલ ગેટ્સે સ્વીકાર્યું છે કે તેમના ત્રણ મહિલાઓ સાથે લગ્નેતર સંબંધો હતા. ગેટ્સે આરોપ લગાવ્યો છે કે કુખ્યાત જેફ્રી એપસ્ટીન આ અફેર્સ વિશે જાણતો હતો અને મને ફરીથી પોતાની સાથે જોડવા માટે બ્લૅકમેઇલ કરવાનું કાવતરું રચી રહ્યો હતો. ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા દસ્તાવેજો બાદ આ ખુલાસો થયો છે જે વિશે ગેટ્સ ગઈ ૧૦ જૂને કમિટી સમક્ષ રૂબરૂ હાજર થયા હતા.

ગેટ્સે જણાવ્યું કે મારા રશિયન બ્રિજ પ્લેયર મિલા અન્તોનોવા અને ન્યુક્લિયર ફિઝિસિસ્ટ કરીમા નિગ્માતુલિના સાથે સંબંધો હતા, આ ઉપરાંત મેડિકલ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ એલિસ જેકબ્સ નેસેલરોડ સાથે પણ મારું એક્સ્ટ્રા મૅરિટલ અફેર હતું. 

મંગળવારે જાહેર થયેલી ટ્રાન્સક્રિપ્ટ મુજબ બિલ ગેટ્સે કહ્યું કે ‘આ અફેર્સ મારા પરિવાર માટે અત્યંત પીડાદાયક હતાં. એપસ્ટીન મારી બેવફાઈની માહિતીનો ઉપયોગ કરીને મારા પર ફરીથી પોતાની સાથે જોડાવા દબાણ કરી રહ્યો હતો. હું વશ ન થતાં તેણે કેટલીક ખોટી અફવાઓ પણ ફેલાવવાનું શરૂ કર્યું હતું.’

જોકે ગેટ્સે એપસ્ટીનના કોઈ પણ ગુનામાં સામેલ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને તેની સાથે સંપર્ક જાળવી રાખવાને પોતાની જિંદગીની મોટી ભૂલ ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ એપસ્ટીનને માત્ર પરોપકારનાં કામોની ચર્ચા માટે જ મળતા હતા. 

international news world news bill gates microsoft united states of america sex and relationships