14 January, 2026 10:00 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
રૅન્ડી ફાઇન.
અમેરિકાના સંસદસભ્ય રૅન્ડી ફાઇને સોમવારે ગ્રીનલૅન્ડ ઍનેક્સેશન ઍન્ડ સ્ટેટહુડ ઍક્ટ નામનું એક બિલ રજૂ કર્યું હતું. આ બિલનો હેતુ અમેરિકાની સરકારને ગ્રીનલૅન્ડને પોતાના કબજામાં લેવા અને એ પછી અમેરિકાનું રાજ્ય બનાવવાના કાયદાકીય અધિકારો આપવાનો છે.
સંસદસભ્ય રૅન્ડી ફાઇને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આ બિલની જાણકારી આપતાં લખ્યું હતું કે રશિયા-ચીનના પ્રભાવને અટકાવવા માટે આ બહુ જરૂરી છે. જો આ બિલ પાસ થયું તો ગ્રીનલૅન્ડને પોતાનું ૫૧મું રાજ્ય બનાવવાનો અધિકાર અમેરિકાને મળી જશે. જોકે હજી માત્ર બિલ રજૂ થયું છે અને બન્ને હાઉસમાં એને પાસ કરવાનું બહુ મુશ્કેલ છે, કેમ કે આ ઇન્ટરનૅશનલ કાયદાઓની વિરુદ્ધમાં છે. ગ્રીનલૅન્ડ પર છેલ્લાં ૩૦૦ વર્ષથી ડેન્માર્કનો કબજો છે. ડોનલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવનું સમર્થન કરતાં કહ્યું હતું કે અમેરિકાની રક્ષા માટે ગ્રીનલૅન્ડ બહુ જરૂરી છે.