હોર્મુઝની નાકાબંધીથી અમેરિકામાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચશે

14 April, 2026 10:55 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઈરાનની ટ્રમ્પને સીધી ચેતવણી: નાકાબંધી કરીને તમે ટૂંક સમયમાં જ ચારથી પાંચ ડૉલર પ્રતિ ગૅલન મળતા પેટ્રોલ માટે ટળવળશો

હોર્મુઝની ખાડી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ગંભીર વળાંક પર પહોંચી‍ ચૂક્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની બંદરો પર નૌકાસેનાની નાકાબંધી કરવાની ધમકી બાદ ઈરાને વળતો પ્રહાર કર્યો છે. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે સોશ્યલ મીડિયા દ્વારા ટ્રમ્પને ચેતવણી આપતાં જણાવ્યું છે કે આ નાકાબંધી અમેરિકી ગ્રાહકો માટે જ ભારે પડશે અને તેમને ટૂંક સમયમાં જૂના સસ્તા ભાવના દિવસો યાદ આવશે.

ઈરાની સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક ગાણિતિક સૂત્ર શૅર કરીને આર્થિક અસરની સમજૂતી આપી હતી. તેમણે વાઇટ હાઉસ પાસેના એક પેટ્રોલ-પમ્પના ભાવનો ફોટો શૅર કરતાં લખ્યું હતું, ‘અત્યારે પમ્પના આંકડાઓનો આનંદ માણી લો. આ કહેવાતી ‘નાકાબંધી’ બાદ તમે ટૂંક સમયમાં જ ચારથી પાંચ ડૉલર પ્રતિ ગૅલન મળતા પેટ્રોલ માટે ટળવળશો.’

ગાલિબાફનો સંકેત સ્પષ્ટ હતો કે જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝની ‘નાકાબંધી’ને કારણે તેલનો પુરવઠો ખોરવાશે તો વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં જોરદાર ઉછાળો આવશે, જેની સૌથી વધુ અસર અમેરિકાના સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.

વિશ્લેષકોના મતે જો આ સ્થિતિ વણસશે તો વૈશ્વિક ઊર્જાસંકટ ઊભું થઈ શકે છે જેની અસર માત્ર અમેરિકા કે ઈરાન પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડશે.

international news donald trump united states of america washington hormuz strait world news iran israel petroleum petrol diesel price