07 January, 2026 12:22 PM IST | Britain | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બ્રિટનમાં હવે દિવસ દરમ્યાન ટીવી પર અને ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર આખો સમય જન્ક ફૂડ માટેની ઍડ્વર્ટાઇઝિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળકોમાં વધી રહેલી સ્થૂળતાની સામે લડવા માટે બ્રિટનના આ નવા નિયમને એક ઉદાહરણરૂપ કાર્યવાહી ગણવામાં આવી રહી છે. બ્રિટનની હેલ્થ મિનિસ્ટ્રીએ એવું અનુમાન રજૂ કર્યું છે કે આ પ્રતિબંધથી દર વર્ષે બાળકોના આહારમાંથી ૭.૨ અબજ કૅલરી દૂર થઈ શકે છે. આ ઉપરાંત મેદસ્વી બાળકોની સંખ્યામાં પણ ૨૦,૦૦૦ જેટલો ઘટાડો થવાનું અને ૨.૭ બિલ્યન ડૉલરના હેલ્થ-બેનિફિટ્સનું અનુમાન પણ છે.
આ નવા નિયમ પ્રમાણે ટીવી પર રાતે ૯ વાગ્યા પહેલાં જન્ક ફૂડ્સની જાહેરાતો દેખાડી નહીં શકાય અને ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર તો સંપૂર્ણ બૅન રહેશે. ૨૦૨૪ના ડિસેમ્બરથી બ્રિટને આ દિશામાં પગલાં લેવાની શરૂઆત કરી હતી અને અનેક પૅકેજ્ડ ફૂડ પર શુગર-ટૅક્સ અમલમાં મૂક્યો હતો. આ ઉપરાંત સ્કૂલની બહાર ફાસ્ટફૂડની દુકાનો ખોલવાથી રોકવાનો અધિકાર પણ લોકલ ઑથોરિટીને આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ઇંગ્લેન્ડમાં પ્રાઇમરી સ્કૂલમાં આવતાં બાવીસ ટકા બાળકો (જે સામાન્ય રીતે પાંચ વર્ષનાં હોય છે) મેદસ્વી હોવાનું નોંધાયું છે. મિડલ સ્કૂલમાં તો દર ત્રીજું બાળક મેદસ્વી થઈ જાય છે.