બ્રિટિશ PM બોરિસ જ્હોન્સન પહેલીવાર આવી રહ્યા છે ભારત, દિલ્હીને બદલે ગુજરાતથી શરૂ થશે મુલાકાત

17 April, 2022 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીની બહારથી કોઈ રાષ્ટ્રના વડાની ભારત મુલાકાત શરૂ થાય તે દુર્લભ છે

ફાઇલ તસવીર

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 21 અને 22 એપ્રિલે બે દિવસીય ભારતની મુલાકાતે આવશે. તેમની યાત્રા આવતા અઠવાડિયે ગુજરાતથી શરૂ થશે. ગુરુવારે, જ્હોન્સન ગુજરાતમાં ઉતરશે જ્યાં તે અનેક મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત કરી શકે છે. તેઓ શુક્રવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. ગુજરાત માત્ર પીએમ મોદીનું ગૃહરાજ્ય નથી, પરંતુ બ્રિટનમાં રહેતી લગભગ અડધી ભારતીય વસ્તી ગુજરાતની છે.

દિલ્હીની બહારથી કોઈ રાષ્ટ્રના વડાની ભારત મુલાકાત શરૂ થાય તે દુર્લભ છે અને તે ગુજરાતનું `લંડન-કનેક્શન` દર્શાવે છે. તેમની મુલાકાત પહેલા, બોરિસ જ્હોન્સને કહ્યું કે “ભારત એક મોટી આર્થિક શક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આ અનિશ્ચિત સમયમાં બ્રિટનનું ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. યુક્રેન પર રશિયન આક્રમણ બાદ ભારતની મુલાકાત લેનારા બોરિસ જ્હોન્સન પ્રથમ યુરોપીયન વડા છે.”

બ્રિટનના વડા પ્રધાન તરીકે બોરિસ જોન્સનની આ પ્રથમ ભારત મુલાકાત છે. જ્હોન્સન અને પીએમ મોદી ગયા વર્ષે નવેમ્બરમાં ગ્લાસગો ક્લાઈમેટ સમિટ દરમિયાન મળ્યા હતા. જ્હોન્સનનો ભારત પ્રવાસ ગયા વર્ષે બે વાર રદ થયો હતો. જાન્યુઆરીમાં પ્રથમ વખત, જ્યારે બોરિસ જોન્સનને ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, ત્યારે બ્રિટનમાં કોરોના સંકટને કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. આ પછી ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલમાં બીજી વખત તેમનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો.

international news united kingdom narendra modi india gujarat