મુકેશ અંબાણી એશિયન ધનવાનોની યાદીમાં બીજેથી ત્રીજે નંબરે આવી ગયા

04 June, 2026 09:27 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટિકટૉકની પેરન્ટ કંપનીના ચીની સ્થાપકે તેમનું સ્થાન લઈ લીધું, ગૌતમ અદાણી ટોચ પર

મુકેશ અંબાણી

બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સ મુજબ ચીનમાં ટિકટૉકની પેરન્ટ કંપની બાઇટડાન્સના સ્થાપક ઝાંગ યિમિંગ મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાની બીજી સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ઝાંગની કુલ સંપત્તિ ૯૨.૮ અબજ ડૉલર થઈ ગઈ છે, જેનાથી તેઓ ચીનની સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ કંપનીના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) વ્યવસાયમાં રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયા પછી બાઇટડાન્સના વૅલ્યુએશનમાં આ વધારો થયો છે. ઝાંગની સંપત્તિમાં છેલ્લા થોડા સમયમાં ૨૪ અબજ ડૉલરથી વધુનો વધારો થયો છે.

બીજી તરફ મુકેશ અંબાણી ૮૬.૯ અબજ ડૉલરની કુલ સંપત્તિ સાથે એશિયાની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણીએ ૧૧૭.૪ અબજ ડૉલરની સંપત્તિ સાથે એશિયામાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

બાઇટડાન્સનું શૉર્ટ-વિડિયો પ્લૅટફૉર્મ ટિકટૉક વિશ્વભરમાં એક અબજથી વધુ યુઝર્સ ધરાવે છે. કંપનીએ એના ચૅટબૉટ ડુબાઓ દ્વારા AI ક્ષેત્રમાં પણ પ્રગતિ કરી છે, જેણે ૩૦ કરોડથી વધુ માસિક યુઝર્સને આકર્ષ્યા છે અને ચીનની સૌથી લોકપ્રિય AI ચૅટબૉટ તરીકે ઊભરી આવી છે.

international news world news mukesh ambani gautam adani ai artificial intelligence business news