અમેરિકાથી ડિફેન્સ આઇટમો નહીં ખરીદીએ, કૅનેડાની કંપનીઓ બનાવશે

13 April, 2026 11:08 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કરી ટ્રમ્પ સામે લાલ આંખ

કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની

કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘કૅનેડાના સંરક્ષણ-બજેટના ૭૦ ટકા રકમ એટલે કે એક ડૉલરના ૭૦ સેન્ટ અમેરિકા જતા હતા, કારણ કે કૅનેડા ડિફેન્સની આઇટમો અમેરિકા પાસેથી ખરીદતું હતું, પણ હવે આમ કરવામાં આવશે નહીં. કૅનેડાનાં નાણાં દેશમાં જ રહેશે અને કૅનેડાના લોકો અને કૅનેડાની કંપનીઓ પર ખર્ચ કરવામાં આવશે.’ 
માર્ક કાર્નીએ લિબરલ પાર્ટીના સંમેલનમાં કહ્યું હતું કે કૅનેડાની સેના દ્વારા દરેક ડૉલરના ૭૦ સેન્ટ અમેરિકા મોકલવાના દિવસો પૂરા થઈ ગયા છે.

માર્ક કાર્નીએ કૅનેડાના લોકોને કૅનેડામાં બનેલી આઇટમો ખરીદવાની સલાહ આપી છે. સરકાર હવે કંઈ પણ ખરીદવાનું હશે તો પહેલાં કૅનેડાની કંપનીઓ અને કૅનેડાના સપ્લાયરોને મોકો આપશે. અમેરિકી કંપનીઓને એ ફાયદો નહીં મળે જે પહેલાં મળતો હતો.

ટ્રમ્પે કૅનેડા પર અનેક જાતની ટૅરિફ લગાડી દીધી છે. આના જવાબમાં માર્ક કાર્ની એ દર્શાવવા માગે છે કે તેઓ પોતાના દેશના હિતના રક્ષણ માટે કડક નિર્ણયો લઈ શકે છે. તેમણે કહ્યું હતું કે ‘હું કૅનેડાના લોકો સાથે ઊભો છું. નવી સરકાર પણ લોકો સાથે છે. કૅનેડાને મજબૂત બનાવવા માટે કૅનેડાનાં લાકડાં, સ્ટીલ અને ઍલ્યુમિનિયમ ખરીદવામાં આવશે. મજૂરો પણ કૅનેડાના હશે.’

૭૦ સેન્ટ અમેરિકાને કેવી રીતે જતા હતા?

કૅનેડા પોતાની સેના માટે હથિયાર, ગાડીઓ, જહાજ, મિસાઇલ કે બીજો સામાન ખરીદતું હતું તો એ અમેરિકાની કંપનીઓ પાસેથી લેતું હતું. કૅનેડાના સંરક્ષણ-બજેટનો ૭૦ ટકા હિસ્સો એટલે કે એક ડૉલરના ૭૦ સેન્ટ અમેરિકાની કંપનીઓને જતા હતા. અમેરિકાની કંપનીઓ કૅનેડા માટે સામાન બનાવતી હતી, પણ હવે આ બંધ થશે.

international news world news iran israel united states of america middle east crisis canada