28 August, 2026 06:52 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
ભાવેશ ધનેશા તેની બહેન ચારુ ભંડારી સાથે.
નેપાલ-તિબેટ સરહદ વિસ્તારમાં ૨૬ ઑગસ્ટે આવેલા વિનાશક પૂર વચ્ચે કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલો ચર્ની રોડનો ૩૮ વર્ષનો કૅનેડિયન નાગરિક ભાવેશ ધનેશા ગુમ થતાં તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. ભાવેશની મોટી બહેન ચારુ ભંડારીએ હૃદયસ્પર્શી અપીલ કરતાં કહ્યું હતું કે ‘કોઈ મારા ભાઈને શોધી આપો, મારે આજે રક્ષાબંધનના દિવસે તેના હાથમાં રાખડી બાંધીને ઈશ્વરને પ્રાર્થના કરવી છે કે મારા ભાઈની હંમેશા રક્ષા કરે.’
ભાવેશ ઈશા સેક્રેડ વૉક્સ S3 ગ્રુપ-કૈલાશ સોજોરમ સાથે યાત્રાપ્રવાસે ગયો છે. તેણે છેલ્લે ૨૬ ઑગસ્ટે સવારે ૯.૦૫ વાગ્યે તિબેટ-ચીનની ગ્યિરૉન્ગ ઇમિગ્રેશન ચેકપોસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે ત્યાર બાદ તેનો તેના પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શકયો નથી. આ બાબતની માહિતી આપતાં ચારુ ભંડારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ભાવેશ સાથે ભારતીય સમય મુજબ સવારે ૨.૫૨ વાગ્યે છેલ્લી વાતચીત થઈ હતી. ત્યાર પછી અમારા અથાગ પ્રયાસો છતાં તેનો ફોન કે અન્ય માધ્યમો પર સંપર્ક થઈ શકયો નથી. વૉટ્સઍપ કૉલ રિંગ થાય છે, પરંતુ કોઈ જવાબ મળતો નથી. ભાવેશના ગ્રુપે ૧૪ ઑગસ્ટે નેપાલમાં પ્રવેશ કર્યો હતો. તેમનો યાત્રાનો રૂટ કાઠમાંડુ, તિમુરે, ગ્યિરૉન્ગ, સાગા, માપાંગ યોંગચુઓ, દારચેન, કૈલાસ અને ત્યાર પછી ગ્યિરૉન્ગ થઈ કાઠમાંડુ થઈને મુંબઈ આવવાનો હતો. અમને મળેલી માહિતી પ્રમાણે તેના ગ્રુપ-લીડર તરીકે ઈશા યોગ સેન્ટર, કોઇમ્બતુરના અખિલેશા છે.’
ચારુ ભંડારીએ તેના પરિવારની માનસિક હાલત વર્ણવતાં કહ્યું હતું કે ‘મારાં મમ્મી-પપ્પા સહિત આખો પરિવાર અત્યારે ભાવેશને શોધવામાં વ્યસ્ત છે. અમે તેને શોધવા માટે નેપાલ અને ચીનના સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરવા ઉપરાંત કૅનેડિયન કૉન્સલ જનરલને પણ ભાવેશને શોધી આપવા માટે વિનંતી કરી છે. ભાવેશનું નામ કૅનેડિયન સરકારની કૅનેડિયન અબ્રૉડ સર્વિસમાં નોંધાયેલું છે. અમે તેને શોધવા માટે તેની તસવીર અને પ્રવાસ દરમ્યાનનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે જેમાં ભાવેશ ગ્રે હૂડીમાં વાહન પર ઢોલ વગાડતો જોવા મળે છે. મારી એક જ ભાવભરી અપીલ છે કે આજે રક્ષાબંધન છે અને મારે મારા ભાઈને રાખડી બાંધવી છે. કૃપા કરીને કોઈ તેને વહેલી તકે શોધી આપો અને અમારાં ભાઈ-બહેનનું મિલન કરાવો. અમારી સૌને અપીલ છે કે ગ્યિરૉન્ગ ઇમિગ્રેશન ચેકપોસ્ટ પછી ભાવેશની કોઈ માહિતી, હિલચાલ અથવા લોકેશન વિશે કોઈને જાણકારી મળે તો તાત્કાલિક મારો +91 77385 48566 નંબર પર અથવા charukiu.84@gmail.com ઈ-મેઇલ પર સંપર્ક કરે.’