થાઇલૅન્ડ ને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામનો અંત, એકબીજા પર અટૅક, થાઇલૅન્ડે કરેલી ઍર-સ્ટ્રાઇકમાં પાંચે જીવ ગુમાવ્યા

09 December, 2025 09:09 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

જૂનો વિવાદ મંદિરની જમીનનો છે અને બન્ને દેશોનો એના પર દાવો

સોમવારે થાઇલેન્ડ સરહદે આવેલા કંબોડિયાના ઓડર મીંચે પ્રાંતમાંથી સ્થાનિક રહેવાસીઓ સ્થળાંતર કરી રહ્યા છે.

થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કરાવેલો યુદ્ધવિરામ તૂટી ગયો છે. ગઈ કાલે થાઇલૅન્ડે કંબોડિયા પર ઍર-સ્ટ્રાઇક કરી હતી જેમાં આશરે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આના પગલે આ બે એશિયન દેશો વચ્ચે તનાવ ફરી વધી ગયો છે. બન્ને દેશોએ એકબીજા પર હુમલો કરનાર પ્રથમ હોવાનો આરોપ લગાવ્યો છે. 

વિવાદનું કારણ એક મંદિર?
બન્ને દેશો વચ્ચેના વિવાદનું મૂળ પ્રીહ વિહાર મંદિર છે. ભગવાન શિવને સમર્પિત આ હિન્દુ મંદિર થાઇલૅન્ડ-કંબોડિયા સરહદ પર ડાન્ગ્રેક પર્વતોની ટોચ પર સ્થિત છે. આ મંદિર કંબોડિયાના પ્રીહ વિહાર પ્રાંત અને થાઇલૅન્ડના સિસાકેટ પ્રાંત વચ્ચેના પર્વતીય પ્રદેશમાં સ્થિત છે જેનો બન્ને દેશો દાવો કરે છે.

યુદ્ધવિરામ ક્યારે થયો?
થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચેનો સંઘર્ષ જૂનો છે, જુલાઈમાં બન્ને દેશો વચ્ચે પાંચ દિવસ સુધી સરહદ પર અથડામણ થઈ હતી. એ સમયે ચીન અને અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો. ૨૮ જુલાઈએ ડોનલ્ડ ટ્રમ્પે બન્ને દેશોના નેતાઓ સાથે વાત કરી અને પ્રારંભિક યુદ્ધવિરામની મધ્યસ્થી કરી હતી. ૨૬ ઑક્ટોબરે મલેશિયામાં વિસ્તૃત યુદ્ધવિરામ-કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે આ કરાર ૪૪ દિવસ પણ ટકી શક્યો નહીં. 

international news world news thailand cambodia donald trump