શશિ થરૂરના દીકરાએ પણ ગુમાવી નોકરી, વૉશિંગ્ટન પોસ્ટમાં 300 જેટલા પત્રકારોની છટણી

05 February, 2026 02:34 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ઈશાને પોતાની પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો કે તેણે વૉશિંગ્ટન પોસ્ટમાં 12 વર્ષ ગાળ્યા અને 2017 માં વર્લ્ડવ્યૂ કૉલમ શરૂ કરી. તેણે કહ્યું કે તેનો ધ્યેય વાચકોને વિશ્વ અને ત્યાં અમેરિકાના સ્થાનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવાનો હતો.

શશિ થરૂરનો દીકરો ઇશાન અને તેણે કરેલી પોસ્ટ (તસવીર: X)

અમેરિકન અખબાર કંપની વૉશિંગ્ટન પોસ્ટે બુધવારે મોટી છટણી કરી હોવાના અહેવાલ છે. આ છટણીથી લગભગ 300 જેટલા સ્ટાફને કાઢી મૂકવામાં આવ્યા છે. લગભગ 800 પત્રકારોમાંથી 300 થી વધુ પત્રકારોને કાઢી મૂકવામાં આવ્યા છે. આ અખબારને એમેઝોનના ફાઉન્ડર જૅફ બેઝોસ દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું, જોકે તેમ સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે આ છટણીમાં ભારતના કૉંગ્રેસ નેતા શશી થરૂરના દીકરા ઇશાનનો પણ સમાવેશ થયો છે, અને તેને પણ તેની નોકરી ગુમાવી પડી છે. તેણે આ ઘટના સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

ઇશાન થરૂરે પણ નોકરી ગુમાવી

શશિ થરૂરના પુત્ર, ઇશાન થરૂર પણ છટણી કરાયેલા લોકોમાં સામેલ હતો. વૉશિંગ્ટન પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વરિષ્ઠ કૉલમનિસ્ટ ઇશાન થરૂરે સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યા. તેણે જણાવ્યું કે તેને અને અન્ય ઘણા પત્રકારો, જેમાં મોટાભાગે આંતરરાષ્ટ્રીય સ્ટાફનો સમાવેશ થાય છે, બધાને કાઢી મૂકવામાં આવ્યા છે. ઈશાને એક પોસ્ટમાં લખ્યું, "હું આજે વૉશિંગ્ટન પોસ્ટમાંથી મારી બરતરફીની જાહેરાત કરી રહ્યો છું, સાથે જ એ પણ કે ઘણા સારા સાથીદારો અને પત્રકારો પણ આ છટણીથી પ્રભાવિત થયા છે. આ મારા અને અમારી ટીમ માટે ખૂબ જ દુઃખદ છે."

12 વર્ષનો અનુભવ

ઈશાને પોતાની પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો કે તેણે વૉશિંગ્ટન પોસ્ટમાં 12 વર્ષ ગાળ્યા અને 2017 માં વર્લ્ડવ્યૂ કૉલમ શરૂ કરી. તેણે કહ્યું કે તેનો ધ્યેય વાચકોને વિશ્વ અને ત્યાં અમેરિકાના સ્થાનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવાનો હતો. ઈશાને લાખો વાચકો પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી જેઓ તેની કૉલમ વાંચે છે. બીજી પોસ્ટમાં, ઈશાને પોતાની વૉશિંગ્ટન પોસ્ટ ઑફિસનો ફોટો શૅર કર્યો, જેમાં એક પોસ્ટરમાં "લોકશાહી અંધારામાં મરી જાય છે" એમ લખ્યું હતું. ઈશાને ફોટોનું કૅપ્શન આપ્યું, "આજનો દિવસ ખરાબ છે." આ પોસ્ટ તેના પિતા શશી થરૂરે પણ ફરીથી શૅર કરી હતી. વૉશિંગ્ટન પોસ્ટના એક્ઝિક્યુટિવ ઍડિટર મેટ મુરેએ આ નિર્ણયને દુઃખદ પરંતુ અખબારને નવી દિશામાં લઈ જવા માટે જરૂરી ગણાવ્યો. છટણીનો સૌથી વધુ પ્રભાવ વૉશિંગ્ટન પોસ્ટના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ પર પડ્યો છે. મધ્ય પૂર્વ, આફ્રિકા અને એશિયાના પ્રતિનિધિઓ સહિત અનેક વિદેશી બ્યુરોમાં છટણી કરવામાં આવી છે. વૉશિંગ્ટન પોસ્ટના અનેક પ્રતિનિધિઓએ છટણીને ‘ખૂબ જ નિરાશાજનક’ ગણાવી છે.

રમતગમત, ઇન્ટરનૅશનલ અને લોકલ રિપોર્ટિંગ વિભાગો બંધ

છટણી ઉપરાંત, વૉશિંગ્ટન પોસ્ટે તેના સ્પોર્ટ્સ ડૅસ્ક પણ બંધ કરી દીધા છે. અનેક વિદેશી બ્યુરો અને સ્થાનિક રિપોર્ટિંગ ટીમોને પણ બંધ કરવામાં આવી છે. આનાથી વૉશિંગ્ટન પોસ્ટની આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ ક્ષમતાઓમાં ઘટાડો થવાની શક્યતા છે. અખબારના ભવિષ્ય પર આની શું અસર પડશે તે જોવાનું બાકી છે.

shashi tharoor congress washington united states of america international news jobs and career career and jobs jobs jobs in india government jobs job recruitment