ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરની મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન

07 September, 2026 12:10 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે મહંત સ્વામી મહારાજે મંદિરમાં સનાતન ધર્મનાં વિવિધ અવતાર સ્વરૂપોની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના હિન્દુ મંદિરની BAPSના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા

ગઈ કાલે પૅરિસની નજીક આવેલા બૂસી-સૅન-ઝૉર્જમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના હિન્દુ મંદિરની BAPSના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. ફ્રાન્સ અને વિશ્વભરના હરિભક્તો, સ્વયંસેવકો અને શુભેચ્છકોની વર્ષોની સમર્પિત સેવાથી સાકાર થયેલા આ મંદિરની વૈદિક પરંપરા અનુસાર થયેલી પ્રાણપ્રતિષ્ઠા વિધિ ફ્રાન્સમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે એક ઐતિહાસિક સીમાચિહ‍્ન છે.

સવારે ૬.૪૫થી ૯ વાગ્યા દરમ્યાન વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે reમહંત સ્વામી મહારાજે મંદિરમાં સનાતન ધર્મનાં વિવિધ અવતાર સ્વરૂપોની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને ત્યાર બાદ પ્રથમ આરતી ઉતારી હતી. વેદોક્ત વિધિપૂર્વક શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ (ભગવાન શ્રી સ્વામીનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી); ભગવાન શ્રી રાધા-કૃષ્ણ; ભગવાન શ્રી સીતા-રામ, શ્રી હનુમાનજી અને લક્ષ્મણજી; ભગવાન શંકર અને પાર્વતીજી, શ્રી ગણેશજી, શ્રી કાર્તિકેયજી; સ્વામી શ્રી અયપ્પાજી; ભગવાન શ્રી પદ‍્માવતી, વેંકટેશ્વરજીનાં સ્વરૂપોની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આ પ્રાણપ્રતિષ્ઠા સાથે અડધી સદીથી પણ વધુ સમય પહેલાં સેવાયેલો સંકલ્પ સાકાર થયો હતો. ૧૯૭૦માં પરમ પૂજ્ય યોગીજી મહારાજે પૅરિસમાં મંદિરનિર્માણ માટે આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ તેમના આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ સંકલ્પને પોષ્યો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ એ સાકાર થયો છે.

international news world news france swaminarayan sampraday religious places