10 September, 2026 12:35 PM IST | West Asia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ એશિયામાં વધેલા તનાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ પ્રતિ બૅરલ ૮૦૦૦ રૂપિયા (૧૦૦ ડૉલર)ને પાર કરી ગયા છે જેના કારણે સરકારી માલિકીની ઑઇલ કંપનીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર કંપનીઓને પેટ્રોલ પર લીટરદીઠ પાંચ રૂપિયા અને ડીઝલ પર ૨૩ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડ ૨.૫ ટકા વધીને ૧૦૦ ડૉલર પ્રતિ બૅરલથી ઉપર પહોંચી ગયું છે જેણે ૨૩ જુલાઈએ છેલ્લે આ સપાટી સ્પર્શી હતી. ભારત પોતાની ક્રૂડ ઑઇલની જરૂરિયાતના ૮૮ ટકાથી વધુ આયાત કરે છે. ભાવ વધવાને કારણે દેશની વેપારખાધ અને રૂપિયા પર દબાણ વધી શકે છે.
છેલ્લા ત્રણ મહિનાથી રીટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે જેના કારણે ઑઇલ કંપનીઓ આ વધેલા ખર્ચને ભોગવી રહી છે. નિષ્ણાતોના મતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઊંચા રહેશે તો એવિયેશન, ટાયર અને FMCG જેવાં સેક્ટર પર પણ એની નકારાત્મક અસર પડશે તથા મોંઘવારી વધી શકે છે. રિઝર્વ બૅન્ક પણ આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.