દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં ૩૩૪ લોકોનો ભોગ લીધો

01 December, 2025 08:12 AM IST  |  Sri Lanka | Gujarati Mid-day Correspondent

સ્થાનિક એજન્સીના કહેવા મુજબ રવિવાર સાંજ સુધીમાં કુલ ૩૩૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજી ૪૦૦ લોકો ગુમ છે. 

શ્રીલંકામાં ડઝનબંધ બ્રિજ અને રસ્તાઓ તૂટી ગયા હતા.

દિતવાહ ચક્રવાતે શ્રીલંકામાં ભારે તારાજી સર્જી છે. કુદરતના પ્રકોપની સામે માણસો તો ઠીક, મૂંગા જીવોની હાલત પણ એટલી કફોડી થઈ ગઈ છે કે હૃદય દ્રવી ઊઠે. ગઈ કાલે બપોર પછી વરસાદ થંભ્યો છે, પરંતુ અનેક વિસ્તારો હજીયે જળમગ્ન છે. સ્થાનિક એજન્સીના કહેવા મુજબ રવિવાર સાંજ સુધીમાં કુલ ૩૩૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજી ૪૦૦ લોકો ગુમ છે. 

સૌથી હૃદયદ્રાવક ક્ષણ 


સોશ્યલ મીડિયા પર એક વિડિયો જોવા મળ્યો છે જેમાં જોરદાર પાણીના પ્રવાહની સામે એક હાથી ઝાડની આડશે ઊભો છે અને એક શિકારી દીપડો જીવ બચાવવા માટે ડરેલી હાલતમાં હાથીની પીઠ પર ચડીને બેઠો છે.

૨૩૧ કાચાં ઘરો તૂટ્યાં, ૫૭,૦૦૦ હેક્ટર ખેતરો પાણીમાં થયાં ગરકાવ- વાવાઝોડાને કારણે તામિલનાડુમાં ૩નાં મૃત્યુ

ઑપરેશન સાગર બંધુ અંતર્ગત ભારતીય સેનાએ જે વિમાનોમાં શ્રીલંકાને રાહતસામગ્રી પહોંચાડી હતી એમાં જ લગભગ ૪૦૦ ભારતીયોને રેસ્ક્યુ કરીને દિલ્હી લાવ્યા હતા. 

બે દિવસ સુધી શ્રીલંકામાં તાંડવ મચાવ્યા પછી દિતવાહ ચક્રવાત ગઈ કાલે બપોરે બે વાગ્યાની આસપાસ તામિલનાડુના રામેશ્વરમ, ચેન્નઈ અને નાગપટ્ટિનમમાં તીવ્ર પવન અને ભારે વરસાદ સાથે ત્રાટક્યું હતું. ભારે વરસાદને કારણે ‌અલગ-અલગ જિલ્લામાં કુલ ૫૭,૦૦૦ હેક્ટર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં, ૨૩૧ કાચાં ઘર તૂટી ગયાં હતાં અને હજારો લોકોને રાહતશિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા. વરસાદની અસર પૉન્ડિચેરીમાં પણ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ યુનિવર્સિટીની આજે થનારી પરીક્ષાઓ મુલતવી રખાઈ છે અને તમામ સ્કૂલ-કૉલેજો બંધ રહેશે. હવે તોફાનની અસર તામિલનાડુની ઉપરનાં રાજ્યો તરફ ખસશે એટલે આંધ્ર પ્રદેશમાં ૩ ડિસેમ્બર સુધી રેડ અલર્ટ જાહેર થઈ છે. ત્રણે રાજ્યોમાં મળીને કુલ બાવન ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી હતી. 

international news world news sri lanka tamil nadu cyclone indian meteorological department