નેપાલમાં મરણાંક વધીને ૧૧૨૭ થયો, ૪૮૫૮ લોકો લાપતા

03 September, 2026 01:21 PM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના રિપોર્ટ મુજબ બાવીસ લાખ ટન કાટમાળ જમા થયો છે અને કરોડોનું નુકસાન થયું છે

નેપાલના પૂરમાં ખોવાઈ ગયેલા જેલોકોની હજી ભાળ નથી મળી તેમના પણ ગઈ કાલે કાઠમાંડુના પશુપતિનાથ મંદિરમાં પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુજરાતીમાં દર્ભ, દાભ, ડાભડો કહેવાતા ઘાસમાંથી પૂતળું બનાવીને એની અર્થી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સ્વજનોએ આક્રંદ કરી મૂક્યું હતું.

નેપાલમાં ભીષણ કુદરતી આપત્તિના કારણે ભારે તબાહી મચી છે ત્યારે નેપાલ પોલીસના આંકડા મુજબ આ હોનારતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને ૧૧૨૭ પર પહોંચી ગઈ છે. આપત્તિના એક સપ્તાહ બાદ પણ રાહત અને બચાવટીમો કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરી રહી છે. સુરક્ષાબળોએ અત્યાર સુધીમાં ૬૫૪૧ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, પરંતુ હજુ પણ ૪૮૫૮ લોકો લાપતા છે જેમને શોધવા માટે અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

ભોટેકોશી અને ત્રિશુલી નદીમાં ગ્લેશિયર તૂટવાથી સર્જાયેલી આ વિનાશક પૂરની સ્થિતિ બાદ પ્રભાવિત વિસ્તારોમાં આશરે બાવીસ લાખ ટન જેટલો ભારે કચરો અને કાટમાળ જમા થઈ ગયો છે, જેને હટાવતાં વર્ષો નીકળી જશે. આ કાટમાળમાં ૫.૫ લાખ ટન તો માત્ર કૉન્ક્રીટ અને ઈંટોનો કાટમાળ છે તેમ જ ૨૩૫૯ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયાં છે.

આ ભયાનક આપત્તિના કારણે દેશના કૃષિ અને ઊર્જા ક્ષેત્રને પણ મોટો ફટકો પડ્યો છે. પ્રભાવિત વિસ્તારોના ૬૭ ટકાથી વધુ લોકો ખેતી પર નિર્ભર હોવાથી તેમનો પાક અને પશુધન તણાઈ ગયાં છે. 

નેપાલમાં જે લોકોની ભાળ નથી તેમના પણ પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

નેપાલના પૂરમાં ખોવાઈ ગયેલા જેલોકોની હજી ભાળ નથી મળી તેમના પણ ગઈ કાલે કાઠમાંડુના પશુપતિનાથ મંદિરમાં પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુજરાતીમાં દર્ભ, દાભ, ડાભડો કહેવાતા ઘાસમાંથી પૂતળું બનાવીને એની અર્થી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સ્વજનોએ આક્રંદ કરી મૂક્યું હતું.

નેપાલના બેત્રાવતી ગામમાં એક જ ઘરમાંથી ૨૪ મૃતદેહ મળ્યા

નેપાલના નુવાકોટ જિલ્લાના બિદુર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં બેત્રાવતી ગામમાં એક પૂરગ્રસ્ત ઘરમાંથી ૨૪ મૃતદેહો મળી આવતાં ચકચાર મચી છે. આ ઘર કોઈ હોટેલ અથવા ગેસ્ટહાઉસ હોવાનું માનવામાં આવે છે અને પોલીસ દ્વરા શોધખોળ ચાલુ છે.

વિનાશક પૂરની ઘટનાના એક અઠવાડિયા બાદ એક રૂમમાંથી ૨૧ અને બહારથી ૩ મળીને ૨૪ મૃતદેહો મળી આવ્યા હતા. આ જીવ ગુમાવનારાઓમાં યાત્રાળુઓનો પણ સમાવેશ હોવાની શંકા છે. એક મહિલાનો મૃતદેહ એવી અવસ્થામાં મળ્યો હતો કે તેણે એક નાનું બાળક પકડેલું હતું, જેનાથી શંકા ઊભી થાય છે કે તેઓ માતા અને પુત્રી હોઈ શકે છે. આ તમામ મૃતદેહોને હેલિકૉપ્ટરથી ત્રિશુલી લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ડ્રોનની મદદથી બચાવ-કામગીરી ચાલી રહી હતી ત્યારે મંગળવારે આ ઘર પર ફોકસ કરવામાં આવ્યું હતું અને પછી મૃતદેહો મળી આવ્યા હતા.

international news world news nepal