ઇઝરાયલમાં પણ ઈરાન સાથેના યુદ્ધનો અંત લાવવાની માગણી બની તીવ્ર

30 March, 2026 11:50 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

તેલ અવિવ, જેરુસલેમ, હાઇફા શહેરોમાં વિરોધ-પ્રદર્શન થયું હિંસક, ૨૧ લોકોની ધરપકડ

સાપ્તાહિક વિરોધ-પ્રદર્શન

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટનું યુદ્ધ બીજા મહિનામાં પ્રવેશી ગયું છે ત્યારે આ યુદ્ધને સમાપ્ત કરવાની માગણી કરતા સેંકડો ઇઝરાયલી તેલ અવિવ અને જેરુસલેમમાં એકઠા થયા હતા. યુદ્ધવિરોધી માહોલ સમગ્ર ઇઝરાયલમાં ફેલાઈ રહ્યો છે અને હજારો લોકોએ ઈરાન સાથેના સંઘર્ષનો અંત લાવવાની હાકલ કરી કરી હતી. અત્યાર સુધીમાં ગેરકાયદે પ્રદર્શનો દરમ્યાન ૨૧ વિરોધીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વિરોધ-પ્રદર્શનો લોકશાહીને નુકસાન અને કાયમ માટે યુદ્ધને બંધ કરવાની માગણી માટે હતાં. સાપ્તાહિક વિરોધ-પ્રદર્શનોમાં તેલ અવિવ, જેરુસલેમ, હાઇફા અને અન્યત્ર શરૂઆતમાં ફક્ત થોડા ડઝન લોકો ભાગ લેવા આવતા હતા, પણ હવે સંખ્યા વધી રહી હોય એવું લાગે છે.

પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટમાં સાઉદી અરેબિયા, ટર્કી, ઇજિપ્તના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે

પાકિસ્તાને વેસ્ટ એશિયામાં તનાવ ઓછો કરવાના પ્રયાસો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ટર્કીના વિદેશપ્રધાનોની મધ્યસ્થી વાટાઘાટ બેઠકનું આયોજન કર્યું છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશપ્રધાન ઇશાક ડારના આમંત્રણ પર સાઉદી અરેબિયાના વિદેશપ્રધાન પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ, ટર્કીના વિદેશપ્રધાન હકાન ફિદાન અને ઇજિપ્તના વિદેશપ્રધાન બદ્ર અબ્દેલટ્ટી આ બેઠકમાં હાજરી આપશે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વાન્સ પણ વાટાઘાટોમાં જોડાશે. આમંત્રિત નેતાઓ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને પણ મળશે. ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસને ઈરાનને સંભવિત યુદ્ધવિરામ માટે ૧૫ મુદ્દાની યોજના ઑફર કરી હતી. શરૂઆતમાં ઈરાને વાટાઘાટો થઈ રહી હોવાનો ઇનકાર કર્યો હતો. મધ્યસ્થીઓએ વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંદેશાઓ રિલે કરવાની પુષ્ટિ કરી હતી. ગઈ કાલે પણ વાટાઘાટો થઈ હતી.

international news world news israel iran united states of america middle east crisis donald trump